Western Times News

Gujarati News

પાલનપુર ખાતે રોજગારીપત્રો, એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ

વડાપ્રધાને શિક્ષણ વિભાગમાં ભરતીઓ શરૂ કરી ભરતીના નવા દ્વાર ખોલ્યા હતાઃ સાંસદ પરબતભાઇ પટેલ

(માહિતી બ્યુરો, પાલનપુર) પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં લોકસભાના સાંસદશ્રી પરબતભાઇ પટેલ અને રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે યુવાનોને રોજગારીપત્રો, એપ્રેન્ટીસશીપ અને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે રોજગારી મેળવનાર યુવાનોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની સાથે સ્વ. પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, નાના કર્મચારીના વાણી-વર્તન અને લોકોના સાથેના વ્યવહાર તથા તેની કામગીરીથી સરકારની કામગીરીની ઓળખ થતી હોય છે ત્યારે આપણે સારી કામગીરી કરી લોકોને મદદરૂપ થઇએ. તેમણે ભૂતકાળની સરકારો સાથે વર્તમાન સરકારની તુલના કરતાં જણાવ્યું કે, ભૂતકાળની સરકારોએ સરકારી ભરતીઓ પર કાપ અને પ્રતિબંધો મુકી દીધા હતા.

કર્મચારીઓના પગાર કરવા સરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડતો એવા દિવસો પણ આપણે જાેયા છે. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ વિભાગમાં ભરતીઓ શરૂ કરી ભરતીના નવા દ્વાર ખોલ્યા હતા. વર્ષ-૨૦૦૫ પછી તમામ વિભાગોમાં માત્ર મેરીટના આધારે પારદર્શક પધ્ધતિથી રાજય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે.

રાજ્ય સભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તા. ૨૫ ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, પહેલાના સમયમાં સગાવ્હાલાઓ અને ઓળખીતાઓને જ સરકારી નોકરીઓ મળતી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી રાજયમાં મેરીટના ધોરણે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા થાય છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, વડગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરથીભાઇ ગોળ, મદદનીશ શ્રમ આયુક્તશ્રી મોદી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી એચ.એચ.ગઢવી, પાલનપુર આઇ. ટી. આઇ. ના આચાર્યશ્રી એચ. વી. દોમડીયા, અમીરગઢ આઇ. ટી. આઇ. ના આચાર્યશ્રી એમ. એન. પટેલ સહિત શ્રમ અને રોજગાર કચેરીના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.