પાલનપુર- ગઠામણ ગામમાં ડેન્ગ્યુથી કિશોરીનું મોત થયું
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦થી વધુ ડેંગ્યુના કેસો
પાલનપુર, પાલનપુર તાલુકાના ગઠામણ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુંથી એક કિશોરીનું મોત થતાં ગામમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જ્યાં શહેર ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં ૧૦૦૦ ઉપરાંત શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો હોવાનું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાના વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ થતાં ડેન્ગ્યુની બિમારીએ માથું ઉંચક્યું છે. જ્યાં પાલનપુર શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો નોંધાઇ રહ્યા છે. દરમિયાન આરોગ્ય વિભાગના સબ સલામતની બાંગો વચ્ચે પાલનપુર તાલુકાના ગઠામણ ગામે રહેતી દક્ષાબેન અમરતજી ઠાકોર (ઉ.વ.૧૫)નું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજતાં ગામમાં ફફડાટ સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, પાલનપુરના લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ગંદકી ખદબદી રહી છે. જ્યાં સફાઇ કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જ્યાં તાવના ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના કોટ અંદરના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો માંદગીના બિછાને પડ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા સર્વે કરી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.