પાલનપુર નજીકથી રૂપિયા ૧ કરોડથી વધુના ચરસનાં જથ્થા સાથે બે ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયનો વિકાસ થવાની સાથે જ કેટલીક બદીઓ પણ ફેલાઈ છે. હાલ સુધીમાં દારૂનું દુષણ જ ગુજરાતમાં પ્રસરેલું હતું જાેકે છેલ્લાં કેટલાક સમયથી રાજયમાં ખાસ કરીને મોટા શહેરોમાં યુવાનો દ્વારા ડ્રગ્સ લેવાનું ચલણ વધ્યું છે. આશરે ત્રણ મહીનાથી રાજયની વિવિધ એજન્સીઓ આવા ડ્રગ પેડલરો તથા નશીલા દ્રવ્યોનો વેપાર કરતા મોટા માથાઓ સામે લાલ આંખ કરીને લાખો- કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. આવી જ કાર્યવાહી મંગળવારે બપોરે એટીએસ દ્વારા કરવામાં આવી હતી અને મુંબઈના બે શખ્સોને પાલનપુરથી ઝડપીને એક કરોડથી વધુનો ચરસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે રાજયની વિવિધ એજન્સીઓ દ્વારા ગત કેટલાંક સમયથી ડ્રગ્સ વિરુધ્ધ કાર્યવાહી તેજ કરવામાં આવી છે ત્યારે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ના પીઆઈ સી.આર. જાદવને કેટલાંક શખ્સો લુધીયાણાથી ચરસ લાવવાના હોવાની બાતમી મળી હતી જેને આધારે પીઆઈ જાદવે તેમની ટીમ સાથે મંગળવારે સવારથી જ પાલનપુર ટોલનાકા નજીક આવેલા મલાણા ગામ પાસે આવેલી મહાકાલ હોટેલ નજીક વોચ ગોઠવી હતી અને માહીતી અનુસારની વેગન આર કાર આવતા તેને કોર્ડન કરી ડ્રાઈવર ફહીમ અઝીમ બેગ (૩૧) રહે. માહીમ લુહાર ચાલ, નોવેલ્ટી ટાવર, માહીમ વેસ્ટ, મુંબઈ તથા સમીર અહેમદ શેખ (ર૭) રહે. જહાંગીર કોલોની, હરશુલ, ઔરંગાબાદને ઝડપી લીધા હતા. કારની તપાસ કરતાં પાછળની સીટમાંથી સફરજનના ખોખા પાસેથી પ્લાસ્ટીકમાં વીંટાળેલો એક કરોડ બે લાખ રૂપિયાનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનામાં અમદાવાદના વટવા તથા મુંબઈમાં માહીમ ખાતે મકાન ધરાવતા ઈમરાન નામના શખ્સનું નામ ખુલ્યું હતું ઈમરાને આ બંનેને જડીબુટ્ટી તથા દવાઓના બહાને લુધિયાણા મોકલ્યા હતા જાેકે સબ્જી મંડીમાં મળેલા ટ્રક ડ્રાઈવરે તેમને ચરસનો જથ્થો સોંપ્યો હતો ચરસ ઈમરાનને સોંપ્યા બાદ તે ફહીમ તથા સમીરને પચાસ હજાર રૂપિયા આપવાનો હતો એટીએસની ટીમોએ હવે ઈમરાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજયના અમદાવાદ, સુરત, રાજકોટ તથા બનાસકાંઠામાંથી તાજેતરમાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ ચુકયો છે.