પાલનપુર ન્યુ બસ પોર્ટમાં જાળવણી મુદ્દે વેપારીઓનો હોબાળો..!!!
પાલનપુર, પાલનપુરનું ન્યુ એસ.ટી. બસ પોર્ટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. બસપોર્ટના મેઈન્ટેન્સને લઈને વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ન્યુ બસ પોર્ટમાં મળતી સુવિધાઓ ઘટતા વેપારીઓએ હોબાળો કર્યો હતો.
ન્યુ એસ.ટી. બસ પોર્ટ પર આવેલી દુકાનોમાં પર સ્કવેર ફિટ રપ૦ રૂ.મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું. જોકે, મેન્ટેન્સના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણી કર્યા બાદ હવે રોજબરોજ મેઈન્ટેન્સની સુવિધાઓ ઘટતી જાય છે. લિફટ સેવા, સફાઈ, સિકયુરિટી સહિતની સેવા ઓછી થતા વેપારીઓએ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા હોબાળો થયો હતો.
મેનેજમેન્ટ દ્વારા મેઈન્ટેન્સની જવાબદારી વેપારીઓને ઉપાડી લેવાનું જણાવતા વેપારીઓએ ભારે આક્રોશ ઠાલવી જરૂરી સુવિધાઓ પુરી પાડવાની માંગ કરી હતી. જોકે બેઠકમાં શરૂઆતમાં સંઘર્ષની સ્થિતિ થયા બાદ મામલો થાળે પડ્યો હતો અને વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષના હિસાબ આપ્યા પછી શું કરવું તે અમે કમિટી બનાવીને નકકી કરીશું.
પાલનપુરમાં ૩-૪ વર્ષ પહેલા બસપોર્ટ બનાવવામાં આવ્યું હતું. બસપોર્ટ બન્યુ ત્યારથી ગટર લાઈન, સફાઈ લાઈન અને લુખ્ખા તત્વોના આંતકને લઈને સતત વિવાદમાં ઘેરાયેલું રહે છે. અઠવાડિયા પહેલા દરેક દુકાન માલિકોને મિટિંગ માટેનો પત્ર આપવામાં આવ્યો હતો. જેની શુક્રવારે બસપોર્ટના બીજા માળે મિટિંગ મળી હતી. જેમાં સાયોના ગ્રુપના ગિરીશ રાઠી, સુરેશ પટેલ સહિત ભાગીદારો મિટિંગમાં જોડાયા હતા
જેમાં મેન્ટેનન્સના લઈને આનાકાની કરતા હોબાળો મચ્યો હતો. બસપોર્ટ ગેટ આગળ લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. અમુક વેપારીઓ વચ્ચે પડીને પરિસ્થિતિને થાળે પાડી હતી અને ફરીથી બસપોર્ટના બીજા માળે મીટીંગ યોજાઈ હતી. જેમાં બસપોર્ટ માલિકોએ હિસાબ આપવાનું કહીને મીટીંગ પુરી કરી હતી.