પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં સત્તા પુનરાવર્તન થયું

૧૬ બેઠકો પૈકી ૧૨ બેઠકો ફતાભાઈ ધરિયા અને ૪ બેઠકો સોમાભાઈ પટેલએ કબજે કરી
પાલનપુર, પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી શનિવારના રોજ માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી. જેમાં ૧૬ બેઠકો પર ૩૨ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શનિવારે થયેલા ૯૭.૭૩ ટકા મતદાનની રવિવારે મતગણતરી કરાઈ હતી. જેમાં પુનરાવર્તન થયું છે.
પાલનપુર માર્કેટયાર્ડમાં વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરીયાની આપણી પેનલ અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલની પરિવર્તન પેનલ વચ્ચે શનિવારે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક અને ખરીદ વેચાણ વિભાગની ૨ બેઠક મળી કુલ ૧૬ બેઠક પર બંને પેનલના ૩૨ ઉમેદવાર મેદાનમાં હતા.
ત્યારે ૧૮મી સપ્ટેમ્બરને શનિવારના રોજ પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯૭.૭૩ ટકા મતદાન થયું હતું. જેમાં ૧૫૮૯ મતદારોમાંથી ૧૫૫૩ જેટલા મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યાે હતો. જેમાં ખેડૂત વિભાગ ૯૧૨ વેપારી વિભાગ ૧૭૨, સંઘ વિભાગમાં ૪૬૯ મતદાન થયું હતું.
જેની રવિવારે વહેલી સવારે નવ કલાકે ચૂંટણી અધિકારી આર.પી.ખરાડીના અધ્યક્ષ સ્થાને મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફતાભાઈ ધરીયાની આપણી પેનલએ ૧૨ બેઠકો પર સત્તા મેળવી હતી. તેમજ સોમાભાઈ પટેલની પરીવર્તન પેનલે વેપારી વિભાગમાં ચાર બેઠક પર સત્તા હાંસલ કરી હતી. જેથી બહુમતી ફતાભાઈ ધરીયાની આપણી પેનલને મળતા વિજેતા જાહેર કરાયા હતા.