પાલનપુર રેલવે સ્ટેશને મુસાફરનો મોબાઇલ ચોરનારને ૭ વર્ષની સજા

ચોરી અંગેની ફરિયાદ પાલનપુર રેલવે પોલીસ મથકે નોંધાઈ હતી
૫,૦૦૦નો દંડ પણ કરાયો, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની કેદની સજાનો હુકમ કરાયો
પાલનપુર,
પાલનપુર રેલવે સ્ટેશન પરથી એક મુસાફરનો મોબાઇલની ચોરી કરનારને પોલીસે ઝડપી લઇ તેની સામે રેલવે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા આરોપીને સાત વર્ષની સજા તેમજ રૂ. ૫,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, એક મુસાફર બરેલી રેલવે સ્ટેશનથી પાલનપુર આવવા જનરલ ટિકિટ લઈ બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં ગત તા. ૨૩-૧૧-૨૦૨૩ના રોજ પાલનપુર પહોંચ્યો હતો. આ મુસાફરને ભાવનગર જવાનું હોઈ તેઓએ પાલનપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ સુધીની જનરલ ટિકિટ લઈ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં બેસવા ગયો તે વખતે ભીડભાડનો લાભ લઇ એક જણાએ મુસાફરના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન ચોરી લીધો હતો.
જોકે, તે ભાગવા જતા મુસાફરે બૂમાબૂમ કરતાં ફરજ પરની પોલીસે તેને ઝડપી લઇ મુસાફરનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ પાલનપુર રેલવે પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતાં આરોપી સરવરખાન બિસ્મિલ્લાખાન મોગલ (રહે. અલ્લાહ નગરની ચાલી, દાણીલીમડા, બહેરામપુરા, અમદાવાદ)ને ભારતીય દંડ સહિતની કલમ મુજબ ગુનાના કામે તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. ૫,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ દંડની રકમ ન ભરે તો આરોપીને વધુ ૩૦ દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.SS1