પાલનપુર ITI ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાયો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે જિલ્લાકક્ષાનો ઔધોગિક ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે સોળગામ લેઉવા પ્રગતિ મંડળ, પાલનપુરના પ્રમુખશ્રી અને સહકારી સંઘના એમ.ડી.શ્રી રમેશભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, જીવનમાં કશું જ અશક્ય નથી.
મહેનત કરવાથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, સખત પરિશ્રમ અને હકારાત્મક વિચારોથી જીવામાં સારી પ્રગતિ થાય છે. ઔધોગિક ભરતી મેળામાં રોજગારી મેળવનાર યુવાનોને નિષ્ઠાથી કામ કરી આગળ વધવા શ્રી રમેશભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, યુવાનોને સરળતાથી રોજગારી મળે તે માટે રાજય સરકાર સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે રોજગાર મેળવાનાર યુવાનોને સફળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી(વ્ય.મા.) શ્રી ગઢવી, લેબર ઓફિસરશ્રી ચિંતનભાઇ ભટ્ટ, પાલનપુર આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી કુગશીયા, રોજગાર અધિકારી(જનરલ) શ્રી ચૌધરી, જુનિયર રોજગાર અધિકારીશ્રી એસ. કે. મનવર સહિત અધિકારીઓ, આઇ.ટી.આઇ.નો સ્ટાફ અને નોકરીદાતાઓ તથા સારી સંખ્યામાં નોકરીવાંચ્છુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.