પાવાગઢઃ ખોદકામ કરતી વખતે તોપમાં વપરાતા દારૂગોળાની વસ્તુઓ મળી આવી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) યાત્રાધામ પાવાગઢ ખાતે મોગલ સાશન અને રજવાડા કાળના ઐતિહાસિક વારસો હોવાના જીવંત પુરાવા જાેવા મળી રહ્યા છે.
જેમાં કેટલાક પુરાવા જમીનમાં ધરબાયેલા છે જે ખોદકામ દરમિયાન મળી રહ્યા છે.આવા જ પુરાવા માચી ખાતે જૂની ધર્મશાળા તોડી હાલ ખુલ્લો ચોક બનાવવાની કામગીરી દરમિયાન કરવામાં આવેલા ખોદકામ ટાણે મળી આવ્યા છે.ખોદકામ કરતી વેળાએ તોપમાં વપરાતા દારૂગોળાની વસ્તુઓ મળી આવ્યા છે.
માચી ખાતે જીલ્લા પંચાયત હસ્તકની જૂની ધર્મશાળા અને રેન બસેરાને તોડી હાલ ખુલ્લો ચોક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના માટે આજે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.એ વેળાએ તોપમાં વપરાતા ગોળા અને તેને તોડવામાં ઉપયોગ લેવાતાં લોંખડના ઓજારો મળી આવ્યા હતા.
જેથી પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી. જે આધારે પુરાતત્વ વિભાગના કર્મચારીઓ સ્થળ ખાતે દોડી આવ્યા હતા અને હાલ આ સ્થળે ખોદકામ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે અને આગામી દિવસે હવે નિષ્ણાતોની ટીમ દ્વારા મળી આવેલા અવશેષોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે.
તોપમાં ઉપયોગ લેવાતાં દારૂ ગોળાના અવશેષો મળી આવતાં જ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે પાવાગઢ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવતાં સ્થાપત્યોમાં પણ સંશોધન માટે ખોદકામ કરતી વેળાએ પણ અગાઉ કેટલાક પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા.પાવાગઢના રહીશો અને યાત્રિકો આજે મળી આવેલા પૌરાણિક અવશેષોનું મ્યુઝિયમ બનાવવામાં આવે એવી માંગ કરી રહયા છે.