પાવાગઢમાં એક કિલો સોનાનું છત્ર અને ૧.૧૧ કરોડનું દાન

ગોધરા, શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરાયું હતું. ૨૨૫ જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ માંઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા દરમિયાન અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ મળતાં જ ભક્તોમાં અનેરી ખુશી જાેવા મળી હતી.
દેવ દિવાળીએ એક લાખથી વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત આ દિવસે માતાજીને સવા કિલો સોનાનું છત્ર ચઢાવવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં ૧.૧૧ કરોડનું દાન આવ્યું હતું.
યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. માતાજી સાથે લાખ્ખો ભક્તોની આસ્થા સંકળાયેલી હોવાથી આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખ્ખો ભક્તો અહીં ઉમટે છે.
આ ઉપરાંત પૂનમ,દિવાળી અને દેવ દિવાળી જેવા તહેવારમાં પણ મોટી સંખ્યામાં ભકતો દર્શન માટે આવતાં હોય છે. ઉલ્લેખનીય છેકે અગાઉ મંદિર પરિસર અને પગથિયાં ખૂબ જ સાંકડા હતા.જેને લઈ પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ સંચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડતી હતી સાથે દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડતી હતી.
પરંતુ હાલ મંદિર પરિસર વિશાળ બનાવવામાં આવી રહ્યું છે અને સાથે જ તમામ પગથિયાં પહોળા કરી ચઢાવ ખૂબ જ ઓછો કરી દેવામાં આવ્યો છે.કરોડોના ખર્ચે થઈ રહેલી આ કામગીરી મુલાકાતીઓ માટે માતાજી સુધી પહોંચવા માટે એકદમ અનુકૂળ બની છે. ભક્તો હાલ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી રહ્યા છે અને સાથે ધન્યતા પણ અનુભવી રહ્યા છે.
બીજી તરફ મંદિર પરિસર મોટું થતાં આ વર્ષે દેવ દિવાળી નિમિત્તે પ્રથમવાર ૨૨૫ જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શન સાથે મહા આરતી અને મહા પ્રસાદીનું પણ મંદિર ટ્રસ્ટ સંચાલકોએ આયોજન કરતાં દર્શનાર્થીઓમાં અનેરી ખુશી જાેવા મળી હતી.
પ્રથમવાર આ પ્રકારે અન્નકૂટ અને મહા આરતીના દર્શનનો લ્હાવો મળતાં જ દિવસ દરમિયાન ઉમેટેલા એક લાખ જેટલા દર્શનાર્થીઓએ આયોજકોનો આભાર માન્યો હતો. યાત્રાધામ પાવાગઢ સાથે લાખ્ખો ભક્તોની આસ્થા સંકળાયેલી છે. એવી જ આસ્થા મૂળ રાજસ્થાનના અને હાલ સાબરકાંઠાના હિંમતનગરમાં વસવાટ કરતાં બાબુલાલ રાજ પુરોહિત પરિવારની પણ અતૂટ શ્રધ્ધા જાેડાયેલી છે.
તેઓના ગુરૂજીના પાવાગઢ ખાતે વસવાટ અને વર્ષોથી માતાજી સાથે જાેડાયેલી શ્રધ્ધા થકી તેઓ હાલ માતાજીના નામાની કરણ સાથે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે.પશુ આહારનો રાજ્યની અનેક દૂધ ડેરી સાથે તેઓ વ્યવસાય કરવા ઉપરાંત સમાજ અને રાજસ્થાન સ્થિત મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે.
તેઓના પુત્ર ચિંતનભાઈ પણ દર પૂનમના દિવસે અચૂક પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવે છે અને પગપાળા માતાજીના ચરણમાં પહોંચી વર્ષોથી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે.બાબુલાલ અને તેઓનો પરિવાર જણાવે છે કે તેઓ પાસે હાલ જે કઈ વ્યવસાય અને સંપત્તિ છે જે માતાજીની દેન છે અને તેના આશીર્વાદ છે.
જેથી મનમાં માતાજીને સવા કિલો સોનાનું છત્ર ચઢાવવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં ૧.૧૧ કરોડનું દાન આપવાની મનમાં ઈચ્છા પ્રગટ થઈ હતી. આ ઈચ્છા પૂર્ણ કરવાના દ્રઢ સંકલ્પને માતાજીએ મેહર કરતાં દેવ દિવાળીના પાવન પર્વે બાબુલાલ રાજપુરોહિત અને તેમનો પરિવાર સોનાના છત્ર અને દાનની રકમના ચેક સાથે પાવાગઢ ખાતે આવી પહોંચ્યો હતો.
દરમિયાન માતાજીના જયઘોષ સાથે વાજતે ગાજતે પરિવારે માતાજીના મંદિરમાં પહોંચી મંદિરના ટ્રસ્ટીઓના માધ્યમથી પૂજારીને સોનાનું છત્ર અને દાનની રકમનો ચેક માતાજીના ચરણોમાં સમર્પિત કરી ધન્યતા અનુભવી માતાજીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
પાવાગઢ મંદિરમાં આ પ્રકારે સોનાનું છત્ર અને જાહેરમાં દાન કોઈ દાતાએ કર્યુ હોવાની પ્રથમ ઘટના હોવાનું પણ ચર્ચાતું સાંભળવા મળ્યું હતું. જગત જનની માઁ મહાકાળીના ધામ પાવાગઢ ખાતે પ્રથમવાર ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તમામ ભકતો અહીં આવી દર્શન કરી શકે એ શક્ય નોહતું.
પરંતુ આ વર્ષે મંદિર સંચાલકો સુરેન્દ્રકાકા, વિનોદભાઈ, અશોકભાઈ, પરેશભાઈ સહિતના સરાહનીય પ્રયાસ થકી મીડિયાના માધ્યમથી અન્નકૂટ ભોગ અને દર્શન કવરેજ કરાવવામાં આવતાં જ મીડિયાના માધ્યમથી દેવ દિવાળીના પાવન પર્વે રાજ્ય ભરના હજારો આસ્થાળુઓને પણ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો.SSS