પાવાગઢ ખાતે વિખુટા પડેલા બાળકનુ પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું
પ્રતિનિધિ)પાવાગઢ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં માઇ ભકતો પધાર્યા હતા જેમાં અમદાવાદ ધોળકા ખાતેથી પણ એક ખાનગી બસમાં માઇભકતો માતાજીના દર્શન માટે પાવાગઢ પધાર્યા હતા.
જ્યાં પરિવાર સાથે પાવાગઢ આવેલ ૯ વર્ષીય હાર્દિક અર્જુન મારવાડી નામનો બાળક પાવાગઢ ડુંગર પર પાટીયા પુલ ખાતે હજારો ભક્તજનોની ભીડમાં પરિવારથી વિખૂટો પડી નિરાધાર નિસહાય રડતી હાલતમાં પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારી સુનિલભાઈ શર્માને મળી આવતા સુનિલભાઈએ ૯ વર્ષીય બાળક હાર્દિકને શાંત કરી સાંત્વના પાઠવી બાળકના પરિવારને હજારોની ભીડમાં શોધવાની કવાયત હાથ ધરી હતી.
જેમાં બાળકને સુનિલભાઈએ પોતાની બાઈક પર બેસાડી પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે શોધતા-શોધતા લઈ આવતા બાળકે પોતે જે ખાનગી ટ્રાવેલ્સની બસમાં આવ્યો હતો તે બસને ઓળખી બતાવતા નજીકમાં જ આવેલા એક વિસામા ખાતેથી સુનિલભાઈએ બાળકની દાદી જમનાબેનને શોધી બાળક અંગેની સંપૂર્ણ તપાસ અને ખરાઇ કરી બાળકને જમનાબેનને સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
અને બાળકને શોધતા પરિવારજનોએ એક પોલીસ કર્મચારીએ પોતાની કર્તવ્યનિષ્ઠાનો પરીચય આપી પરિવારજનોનું બાળક સાથે સુખદ મિલન કરાવતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં ફરી એકવાર પાવાગઢ પોલીસે એક પરિવારથી વિખૂટા પડેલા બાળકની વ્હારે આવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી પોતાની કર્તવ્યનિષ્ઠાનો પરચો આપી માનવતા મહેકાવી હતી અને પોલીસ સાચે જ રક્ષક છે નો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.*