પાવાગઢ મહાકાળી મંદિર ઉપર ધ્વાજારોહણ કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/pavaghdh.jpeg)
વડોદરા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા નજીક આવેલાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરની કાયાપલટ થઈ ગઈ છે. મંદિર પરના ભવ્ય શિખર પર રહેલા કળશ અને ધ્વજદંડને સોનાનો ઢોળ ચડાવ્યા બાદ મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢવામાં આવી રહ્યો છે, જેનું કામ પૂર્ણતાના આરે છે. ૧૮મી જૂનના રોજ અહીં મંદિરના વિશાળ શિખર પર દાયકાઓ બાદ ધ્વજારોહણ કરવામાં આવશે.
આ શુભ અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનવાના છે. તેમના હસ્તે જ ધ્વજારોહણ કરવામાં આવશે. તેઓ સૌથી પહેલા મહાકાળી માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લેશે અને ત્યારબાદ ધ્વજા ચડાવશે.શક્તિપીઠમાંથી એક પાવાગઢની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી દર વર્ષે સેંકડો ભક્તો આવે છે.
માતાના દર્શન કરીને બાધા પૂરી કરી તેઓ ધન્યતાનો અનુભવ કરે છે. મહાકાળી માતાનું આ પ્રાચીન મંદિરને કરોડો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરીને ભવ્ય, વિશાળ તેમજ તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. મંદિરને વધુ ભવ્ય અને આધ્યાત્મિક બનાવવા માટે મંદિરના શિખર પર નાના-મોટા મળીને સોનાનો ઢોળ ચડાવેલા કુલ આઠ કળશ શિખર પર લગાવવામાં આવ્યા છે. સોનાના કળશ મંદિરની સુંદરતા અને શોભામાં ચાર ચાંદ લગાવે છે.
દાયકાઓ બાદ જ્યારે મંદિરના શિખર પર ધ્વજારોહણ થવાનું છે, ત્યારે વડાપ્રધાન અને માતાના સૌથી મોટા ભક્ત નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ૧૮મી જૂને તેઓ ગુજરાત આવશે અને પાવાગઢ જશે. તેઓ માતાના દર્શન કરીને પોતાના હસ્તે ધ્વજારોહણ કરશે.ધ્વજારોહણના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગુરુવારે (૯ જૂન) સોનાનો ઢોળ ચડાવેલા ધ્વજદંડને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો.
મંદિરના ગર્ભગૃહને પણ સોનાનો ઢોળ ચડાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી આવવાના હોવાથી મહાકાળી મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ss2kp