પાસપોર્ટ ઓફિસના ૨૪થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત
અમદાવાદ: અમદાવાદ મુખ્ય પાસપોર્ટ ઓફિસ પણ કોરોનાના ભરડાથી બાકાત રહી નથી. છેલ્લા ૧૫ દિવસમાં પાસપોર્ટ ઓફિસના ૨૪થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે જ્યારે એક આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસર વિજય ખરાતનું કોરોનાથી અવસાન થયું છે.
કોવિડ-૧૯ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને તેમાં પણ સેકન્ડ વેવમાં સંક્રમણનું પ્રમાણ પણ વધારે છે. રિજિયનલ પાસપોર્ટ ઓફિસ-અમદાવાદના ૨૪ અધિકારી-કર્મચારી તથા તેમના પરિવારના સદસ્યો છેલ્લા ૧૫-૨૦ દિવસમાં સંક્રમિત થઇ ચૂક્યા છે. કોરોનાના વધતા જતાં કેરને પગલે અને સંક્રમણને વધતું અટકાવવાના ભાગરૃપે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ-અમદાવાદ હેઠળના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સામાન્ય દિવસોની સરખામણીએ જારી કરવામાં આવેલી એપોઇન્ટમેન્ટની સંખ્યા ૫૦% કરવાનો ર્નિણય લેવાયો છે.
વધુ અરજકર્તા એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તેના માટે એપોઇન્ટમેન્ટની સંખ્યામાં અડધોઅડધનો કાપ મૂકાયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં જ પૂર્વવત્ સ્થિતિ કરવામાં આવશે તેમ રિજિયનલ પાસપોર્ટ ઓફિસ-અમદાવાદે એક યાદીમાં જણાવ્યું છે અને સાથે અપીલ કરવામાં આવી છે કે ખૂબ જ જરૃરી હોય તો જ પાસપોર્ટ સંબધિત કાર્યો માટે એપોઇન્ટમેન્ટ લઇને મુખ્ય કાર્યાલય અથવા પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં ઉપસ્થિત રહેવું. પાસપોર્ટની કામગીરી વધુ જરૃરી ના હોય તો થોડ સમય માટે ટાળવી. પાસપોર્ટ અરજકર્તા પોતાન એપોઇન્ટમેન્ટ કોઇ સમયમર્યાદા વિના અન્ય તારીખમાં લઇ શકે છે.