Western Times News

Gujarati News

પાસવાનના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે

પટના: દિવંગત કેન્દ્રીય મંત્રી રામવિલા પાસવાનના પાર્થિવ શરીરને શુક્રવારે બપોરે બે વાગ્યે પટના ખાતે લાવવામાં આવશે. એરપોર્ટથી તેમના મૃતદેહને લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. દિવંગત નેતાના પાર્થિવ શરીરને પટના લોજપા કાર્યાલયથી વિધાનસભા લાવવામાં આવશે. આ પહેલા સ્વર્ગીય પાસવાનના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે ૧૦ વાગ્યા તેમના આવાસ ૧૨ જનપથ ખાતે રાખવામાં આવશે. શનિવારે એટલે કે ૧૦ ઓક્ટોબરના રોજ તેમના અંતિમ સંસ્કાર પટના ખાતે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી હતી.

દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબરના રોજ રાત્રે તેમની હૃદયની સર્જરી કરવામાં આવી હતી. ૨૪ ઓગસ્ટ બાદ સતત તેમની તબિયત ખરાબ રહી હતી. છેલ્લા થોડા અઠવાડિયાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા. રામવિલાસ પાસનાનનું હૃદય અને કિડની સરખી રીતે કામ કરી રહ્યા ન હતા. આ કારણ તેમને થોડા દિવસથી આઈસીયુમાં એકમો મશીન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે ૬.૦૫ વાગ્યે તેમણે દિલ્હીની ફોર્ટિસ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૪ વર્ષના હતા. રામવિલાસ પાસવાને વર્ષ ૨૦૦૦માં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી. ૨૦૦૪માં તેઓ સત્તાધારી યૂપીએ સાથે જોડાયા હતા.

પાસવાનને ત્યારે કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પાસવાને ૨૦૦૪માં ચૂંટણી જીતી હતી, પરંતુ ૨૦૦૯માં હારી ગયા હતા. ૨૦૧૦થી ૨૦૧૪ સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. જે બાદમાં ૨૦૧૪માં તેમણે હાજીપુરમાંથી લોકસભાની ચૂંટણી જીતી લીધી હતી. રામવિલાસ પાસવાન આઠ વખત લોકસભા સાંસદ રહી ચુક્યા છે. હાલ તેઓ રાજ્યસભાના સાંસદ હતા. પ્રથમ વખત તેમણે ૧૯૭૭માં હાજીપુર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.