પિંકી ઈરાનીએ જેક્લીનનો સુકેશ સાથે સંપર્ક કરાવ્યો હતો
મુંબઈ, બોલિવુડ એક્ટ્કેસ જેક્લીન ફનાર્ન્ડિઝ હાલ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના કથિત સંબંધોને લઈને ચર્ચામાં છે. હવે સુકેશના કેસમાં તપાસ કરી રહેલા ડિરેક્ટરેટ ઓફ ઈન્ફોર્સમેન્ટે (ઈડી) દાવો કર્યો છે કે, સુકેશે માત્ર જેક્લીનના સંપર્કમાં આવવા માટે પિંકી ઈરાની નામની મહિલાને મોટી રકમ ચૂકવી હતી. પિંકી ઈરાનીની ગત શુક્રવારે ઈડીએ ધરપકડ કરી હતી.
ઈડીએ તિહાડ જેલમાં પિંકી ઈરાની અને સુકેશને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. તેનું નિવેદન લીધા બાદ એજન્સીએ ખુલાસો કર્યો છે. ઈડીના અધિકારીઓએ કહ્યું કે, પિંકી ઈરાનીએ જ સુકેશની મુલાકાત જેક્લીન સાથે કરાવી હતી. આ માટે સુકેશે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ બાદ સુકેશે જેક્લીનને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી હતી.
જેક્લીન સિવાય સુકેશે નોરા ફતેહીને પણ બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી હતી. આ પહેલા ઈડીની પૂછપરછમાં જેક્લીને જણાવ્યું હતું કે, સુકેશે પોતાને સન ટીવીનો માલિક અને જયલલિતાનો સંબંધી ગણાવ્યો હતો. સુકેશે જેક્લીનને સાઉથ ફિલ્મોમાં કામ કરવા માટે પૂછ્યું હતું. જેક્લીને તેમ પણ જણાવ્યું હતું કે, સુકેશ તેના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા સંપર્કમાં આવ્યો હતો. ત્યારે સુકેશે મેકઅપ આર્ટિસ્ટને પોતાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અધિકારી ગણાવ્યો હતો.
સુકેશ પર રેનબેક્સીના પ્રમોટર રહેલા શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. જ્યારે સુકેશ જેલમાં હતો ત્યારે જ તેની મુલાકાત અદિતિ સાથે થી હતી જે જેલમાં બંધ પતિને મળવા આવી હતી. ત્યારે સુકેશે અદિતિને વચન આપ્યું હતું કે, તે પૈસાના બદલે તેના પતિ શિવિંદરને જામીન પર મુક્ત કરાવી આપશે. ઈડી હવે તે વાતની તપાસ કરી રહી છે કે, શું આ ૨૦૦ કરોડ રૂપિયા પહેલા જ તેણે વિદેશમાં રોકાણ કરી દીધા હતા કે નહીં.HS