Western Times News

Gujarati News

પિચને પારખવામાં નિષ્ફળ રહ્યા હતાઃ વરુણ ચક્રવર્તી

વર્તમાન આઇપીએલમાં અગાઉ ચેપોક ખાતે બે મેચ રમાઈ હતી

કોલકાતા નાઇટ રાઇડર્સનો બોલર કહે છે ચેન્નાઈ સામે સારી રીતે પિચની સમીક્ષા કરી શકાઈ હોત

ચેન્નઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં કંગાળ બેટિંગને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સનો પરાજય થયો હતો. આ મેચ બાદ કોલકાતાના સ્પિનર વરુણ ચક્રવર્તીએ કબૂલ્યું હતું કે અમે પિચને પારખવામાં નિષ્ફળ રહ્યા હતા. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પિચની અમે સારી રીતે સમીક્ષા કરી શક્યા હોત પરંતુ આમ થયું ન હતું. સોમવારે ચેપોક ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ પ્રથમ બેટિંગ કરીને માત્ર ૧૩૭ રન કરી શકી હતી.

ચેન્નાઈએ આ સ્કોર આસાનીથી વટાવીને સાત વિકેટે વિજય હાંસલ કર્યો હતો. મેચના પ્રારંભથી જ નાઇટ રાઇડર્સના બેટ્‌સમેન નિષ્ફળ રહ્યા હતા અને તેમના પ્રારંભિક બેટ્‌સમેન રવીન્દ્ર જાડેજા સામે શરણે થઈ ગયા હતા. કોલકાતા માટે સિઝનમાં આ પ્રથમ પરાજય હતો. તેઓ આ મેચ અગાઉ અજેય હતા, વર્તમાન આઇપીએલમાં અગાઉ ચેપોક ખાતે બે મેચ રમાઈ હતી જેની પિચ કરતાં સોમવારની ત્રીજી મેચની પિચ અલગ જ હતી. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જ્યારે મેં પિચનું નિરીક્ષણ કર્યું ત્યારે તે સપાટ જણાતી હતી

પરંતુ મેચ દરમિયાન તેણે અલગ જ પ્રકારનું વર્તન કર્યું હતું. અમે આ પિચની સારી રીતે સમીક્ષા કરી શક્યા હોત કેમ કે પ્રારંભમાં તે ઘણી સ્લો જણાતી હતી. પ્રારંભમાં બેટ અને બોલનો સંગમ થઈ શકતો ન હતો પરંતુ મને લાગે છે કે ૧૬૦ની આસપાસનો સ્કોર લડાયક સ્કોર બની શકે તેમ હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના આ જાદૂઈ સ્પિનરે ઉમેર્યું હતું કે આ ઉપરાંત પિચ પર ઘણું ઝાકળ હતું. સિમ અત્યંત ભીની હતી અને શિવ દૂબે સામે મેં જે છેલ્લી ઓવર ફેંકી તેણે ઘણો ફરક પાડી દીધો હતો. એ વખતે હું બોલ પર ગ્રીપ જ મેળવી શકતો ન હતો.

વરુણ ચક્રવર્તી આ મેચમાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો. તેણે ચાર ઓવરમાં ૨૬ રન આપ્યા હતા. આમ ઇકોનોમીની રીતે તે અન્ય બોલર કરતાં બહેતર પુરવાર થયો હતો. વરુણ ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે દરેક બેટ્‌સમેન માટે યોજના હતી પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તેનો અમલ કરવો. દરેક ટીમમાં એકાદ બેટ્‌સમેન વર્ચસ્વ જમાવી દેતો હોય છે અને તમારે તેનો પ્રતિકાર કરવા માટે માર્ગ શોધી કાઢવાના હોય છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ એવો અભિપ્રાય આપ્યો હતો કે આ પિચ પર સ્ટ્રોકપ્લે કપરી બાબત હતી. અગાઉની બે મેચમાં પિચ સારી હતી પરંતુ સોમવારે તે સ્લો થઈ ગઈ હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.