પિતરાઈ બહેનના પ્રેમમાં પાગલ યુવક સામે ફરિયાદ
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને એમાંય એક તરફી પ્રેમમાં માણસ કોઈ પણ હદ સુધી પહોંચી જતો હોય છે. ક્યારેક તો ના ભરવાનુ પગલું પણ ભરી દેતો હોય છે. આવો એક બનાવ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જોવા મળ્યો છે. યુવતીના પ્રેમમાં ખુદ તેનો પિતરાઈ ભાઈ પડ્યો અને એક તરફી પ્રેમમાં ભાઇ બહેનના પવિત્ર સબંધને પણ ભૂલીને યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતો. એટલું જ નહી યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઈ તો સગાઇ તોડી નાખવા માટે પણ દબાણ કરવા લાગ્યો.
અંતે કંટાળીને યુવતી એ પોલીસ ફરિયાદ નોંધવી છે. ઓઢવમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે ઓક્ટોમ્બર મહિનામાં તેની સગાઇ સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવી છે. જો કે સગાઇના બે ત્રણ દિવસ બાદ તેના પિતરાઈ ભાઈ અવાર નવાર તેને ફોન કરતો અને સગાઇ તોડી નાખવા માટે દબાણ કરતો હતો અને જો સગાઇ તોડીને તેની સાથે લગ્ન નહી કરે તો તેને જાન થી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.
જો કે યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા આરોપી યુવતીના પિતાને ફોન કરીને પરેશાન કરવા લાગ્યો. અને જો ફરિયાદ યુવતી તેની સાથે લગ્ન નહી કરે તો તેને અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. યુવતીએ તેના પરિવારજનોને આ બાબતની જાણ કરતા તેમના સમજાવવાથી થોડા સમય માટે તે માની ગયો હતો.
બાદમાં ફરીથી યુવતીના પિતાને ફોન કરી પરેશાન કરવા લાગ્યો હતો. જેથી તેણે કંટાળીને પોલીસને જાણ કરી છે. આરોપી ફરિયાદી યુવતીનો પિતરાઈ ભાઇ થતો હોવાથી કોઈ સામાજિક પ્રસંગે ભેગા થાય અથવા તો બધા ફરવા માટે જતા ત્યારે તેને કેટલીક સેલ્ફીઓ લીધી હતી. બાદમાં આરોપી યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.