પિતાએ ગુટખા ખાવાની ના પાડી ઠપકો આપતા પુત્રી ઘરેથી ભાગી ગઈ
અમરાઈવાડી વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવ : કિશોરીને શોધવા પોલીસની સઘન તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં શાળા- કોલેજાની આસપાસ તમાકુ અને સીગરેટનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદોના આધારે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે અને છેલ્લા એક સપ્તાહથી શાળા-કોલેજાની આસપાસના પાનના ગલ્લાઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિ વચ્ચે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી તમાકુવાળા ગુટખા ખાવાનું વ્યસન થઈ જતાં કિશોરીને તેના પિતાએ ઠપકો આપતા આ કિશોરી ઘર છોડીને જતી રહી છે જેના પરિણામે પરિવાર ખુબ જ વ્યથિત બની ગયો છે અને અમરાઈવાડી પોલીસે આ અંગે શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે દેશનુ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે સરકારી એજન્સીઓ તથા સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે આ માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે તમાકુના વ્યસનીઓને થતાં કેન્સર જેવા જીવલેણ રોગો અંગે વ્યાપક પ્રમાણમાં જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.
એટલુ જ નહી પરંતુ સીગરેટના પાકિટો તથા ગુટખાની પડીકીઓ પર તેની ચેતવણી પણ લખવામાં આવી રહી છે તેમ છતાં આજે મોટાભાગના યુવાનો વ્યસન કરી રહયા છે આ પરિસ્માંથીતિમાં શાળા-કોલેજાની આસપાસ ચાલતા પાનના ગલ્લાઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી છે. આ દરમિયાનમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શીવાનંદનગરની બાજુમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ સોસાયટીમાં રહેતા વિજેન્દ્રકુમાર નાયીની ૧પ વર્ષની પુત્રી છેલ્લા ઘણા સમયથી ગુટખાની વ્યસની બની ગઈ હતી.
પિતાને જાણ થતાં જ પ્રારંભમાં તેમણે પુત્રીને ગુટખાથી થતાં નુકસાન અને રોગો અંગે સમજ આપી હતી અને ગુટખા નહી ખાવા માટે સમજાવી પણ હતી પરંતુ પુત્રીએ ગુટખા ખાવાનું ચાલુ રાખ્યુ હતું જેના પરિણામે પિતા તેને વારંવાર ચેતતા હતા પરિવારના સભ્યો પણ તેને આ મુદ્દે સલાહ આપતા હતા આ દરમિયાનમાં ગઈકાલે સવારે ગુટખાની વ્યસની બની ગયેલી પુત્રીને સમજાવવા છતાં તે નહી માનતા પિતાએ ઠપકો આપ્યો હતો.
જેના પરિણામે પુત્રી માનસિક રીતે વ્યથિત બની ગઈ હતી અને ગઈકાલે સવારે તે ઘર છોડીને ચાલી ગઈ છે ઘરમાં ઠપકો આપ્યા બાદ પુત્રી નહી દેખાતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા હતા અને આસપાસ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો આખરે મોડી સાંજે પિતા વીરેન્દ્રકુમારે અમરાઈવાડી પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઘર છોડીને ચાલી ગયેલી કિશોરીને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પુત્રી લાપત્તા બની જતા પરિવારજનો પણ વ્યથિત બની ગયા છે.