પિતાએ બીમાર દીકરીની સારવાર માટે પૈસા નહોતા તો હત્યા કરી દીધી
હૈદરાબાદ, તેલંગાનાના કરીમનગર શહેરમાં ૧૯ વર્ષની એક યુવતીની ઘાતકી હત્યાના લગભગ ત્રણ સપ્તાહ બાદ પોલીસે સોમવારે તેના પિતાની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ, પિતાએ દીકરીના સારવારનો ખર્ચ ન ઉઠાવી શકવાની સ્થિતિમાં તેની હત્યા કરી દીધી. આરોપીએ પોલીસ તથા તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે પત્નીના ત્રણ તોલાના ઘરેણાં અને ઘરમાં રાખેલા ૯૯,૦૦૦ રૂપિયા પણ છુપાવી દીધા, જેથી તે તેને લૂંટના ઈરાદે હત્યાનું રૂપ આપી શકે.
આ ઘાતકી હત્યાના મામલાની તપાસ માટે ૭૫ પોલીસકર્મીઓની ટીમની રચના કરવા આવી હતી. આ ટીમે પાણીથી સાફ કરવામાં આવેલા લોહીના ડાઘા સહિત તમામ ફોરેન્સિક પુરવાઓની તપાસ માટે જર્મન ટેકનીકનો ઉપયોગ કર્યો, ત્યારબાદ આ ચોંકાવનારા મામલાનો પર્દાફાશ થયો.
તપાસકર્તાઓએ મુથા કોમુરૈયાના અંડરગારમેન્ટ્સ અને ચંપલથી પુરાવા એકત્ર કરવા માટે જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. પોલીસે જણાવ્યું કે આરોપી પિતાએ પહેલા તકિયાથી પોતાની દીકરીનું ગોંધી મારી અને બાદમાં ચાકૂથી તેનું ગળું કાપી દીધું. પોલીસના જણાવ્યા મુજબ, તેણે રસોડામાં ઉપયોગમાં લેવાતા ચાકૂથી પોતાની દીકરીનું ગળું કાપ્યા બાદ પોતાના અંડરગારમેન્ટ્સ અને ચંપલ પરથી લોહીના ડાઘા ધોઈ દીધા હતા.
નોંધનીય છે કે, ઇન્ટરમિડિએટ ફર્સ્ટ યર (ધોરણ-૧૧)ની વિદ્યાર્થિની મુથા રાધિકાની ૧૦ ફેબ્રુઆરીએ તેમના ઘરે હત્યા કરી દેવામાં આવી હતી. તેના માતા-પિતા બંને મજૂરીનું કામ કરે છે. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે સાંજે જ્યારે તેઓ કામથી ઘરે આવ્યા તો તેમને લોહીમાં ખરડાયેલી તેમની દીકરીની લાશ મળી.આ મામલામાં કરીમનગરના પોલીસ કમિશ્નર વી. બી. કમલાસન રેડ્ડએ સંવાદદાતાઓને જણાવ્યું કે કોમરૈયા પોલિયોથી પીડિત પોતાની દીકરીની સર્જરી માટે જરૂરી ૬ લાખ રૂપિયા ભેગા નહોતો કરી શક્યો. આરોપી પિતા દીકરીની બીમારી અને તેના લગ્ન ન કરાવી શકવાના કારણે ચિંતિત હતો. તેના કારણે તેણે પોતાની દીકરીને મારવાની યોજના બનાવી હતી.