Western Times News

Gujarati News

પિતાની દુકાને હવે અમે ક્યારેય પણ નહીં જઈએ: પુત્રોની વ્યથા

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુર શહેરમાં દરજી કન્હૈયાલાલની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની દેશભરમાં ટીકા થઈ રહી છે. બુધવારના રોજ કન્હૈયાલાલની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં કર્ફ્‌યુ જાહેર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા. શહેરના સેક્ટર-૧૪માં કન્હૈયા લાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ જાેવા મળી હતી. કોલોનીઓના ધાબા પર, બારીઓમાં ઉભા રહીને લોકો નમ આંખે જાેઈ રહ્યા હતા. ઉદયપુરના અશોક નગર વિસ્તારમાં સ્થિત સ્મશાન ઘાટમાં કન્હૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન મોટા દીકરા તરુણે મુખાગ્નિ આપી અને નાના દીકરા યશે પણ નમ આંખે પિતાને અંતિમ વિદાઈ આપી હતી.

પિતાને અંતિમ વિદાય આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં કન્હૈયાલાલના નાના દીકરા યશે જે વાત મીડિયા સાથે કરી, તેમાં તેની પીડા સ્પષ્ટપણે છલકાઈ રહી હતી. ૧૮ વર્ષીય યશે કહ્યું કે, માલદા સ્ટ્રીટ પાસે ભૂત મહેલ વિસ્તારમાં જ્યાં પિતાની દુકાન હતી ત્યાં તે ક્યારેય નહીં જાય. યશે કહ્યું કે, મારા પિતા એ દુકાન ચલાવતા હતા. મારી ફરીથી એ જગ્યા પર જવાની કોઈ ઈચ્છા નથી. તે હવે બંધ જ રહેશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હત્યાકાંડ પછી દરજી કન્હૈયાલાલની દુકાન સુપ્રીમ ટેલર્સને અત્યારે પોલીસે સીલ કરી છે. કન્હૈયાલાલના બન્ને દીકરાઓએ ઉદયપુર પોલીસ પર લાપરવાહીનો આરોપ પણ મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, જાે તેમણે અમારા પિતાની સુરક્ષા બે દિવસ પછી હટાવી ના હોતી તો આજે તે અમારી સાથે હોતા.

એક ચેનલ સાથેની વાતચીતમાં તેમના દીકરાએ જણાવ્યું કે, પિતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તેમના પાડોશી નાઝિમે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ૨૪ કલાકમાં જામીન મળી ગયા હતા અને સમાધાન પણ થઈ ગયુ હતું. તંત્રએ અમને થોડા દિવસ દુકાન બંધ રાખવાની સલાહ આપી હતી અને અમે તે વાત માની પણ હતી. તેમને કોઈએ ધમકી આપી તો અમે પોલીસ સુરક્ષા માંગી હતી.

અમને સુરક્ષા આપવામાં આવી પરંતુ માત્ર બે જ દિવસ માટે. જાે પોલીસ સુરક્ષા મળી હોતી તો આજે પિતા અમારી સાથે હોતા. ઘરમાં માત્ર તેઓ જ કમાતા હતા. અમે બન્ને અત્યારે કોલેજમાં ભણીએ છીએ. અમારી સરકારને માંગ છે કે હત્યારાઓને ફાંસી આપવામાં આવે. અમને આનાથી ઓછી સજા મંજૂર નથી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.