પિતાનું આપણા જીવનમાં મહત્વ
મારા બાળપણમાં મેં જોયેલું અને જાણેલું કે મારા પિતાજી ઇ. સ. ૧૯૪૦ થી ૧૯૫૦ ના સમયનાં ગાળામાં ધંધાર્થે અવારનવાર સ્ટીમરમાં મુસાફરી કરતાં હતા તે દરમિયાન તેઑએ લેખન અને વાંચનનો શોખ કેળવેલો હતો. તેમના અક્ષરો મોતીના દાણા જેવા હતા.તેમને લેખો લખવાનો તથા કવિતા રચવાનો શોખ હતો.
કાળા માથાનો માનવી જો ધારે તો શું ન કરી શકે? માનવીએ પોતાનું મનોબળ મજબૂત રાખવું જોઇએ અને કોઇ પણ સંજોગોમાં પસાર થતાં ગભરાવું નહિ તેવું તેમનુ માનવું હતું. આ સિધ્ધાંતોને મેં મારા જીવનમાં ઉતારવાનો સાર્થક પ્રયત્ન કરેલ છે. મારી કિશોરાવસ્થામાં તથા આજે પણ ખોટી વસ્તુઓ સામે હું સંઘર્ષ કરતો હતો અને કરતો રહીશ.
મળી પ્રેરણા મુજને, પિતા થકી બાળપણથી જીવનમહિ સાંખી ન લેતો તું, અન્યાય કે અપમાનને, અનીતિ કે આરાતિને, મળી શિખામણ મુજને, વહોરી ન લેતો કોઇનીનારાજગી કદી કરી લેજે કોઇની ભલાઇ તું, પણ કરીશ ન કોઇની બુરાઇ કદી, અને છેવટે મારાં પિતાજીને આર્શીવાદથી મારાં લેખક થવાનાં કોડ પૂરા કર્યા છે.
માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ ગણાય છે. પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં આવતું નથી કે નથી બોલવામાં આવતું. કોઇ પણ વ્યાખ્યાનકાર કે સંત મહાત્મા માતાઓનાં મહત્વ વિષે જ વધારે કહેતા હોય છે અને લેખકો કે કવિઓએ પણ માતાના ભરપૂર વખાણ કરતાં લખતાં રહેતાં હોય છે.
પણ ક્યાંય પિતા વિષે બોલાતું નથી અને કેટલાક લોકોએ પિતાની કલ્પનાને કલમની ભાષામાં મૂકીને પિતાને ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા તરીકે વર્ણવ્યા છે. અલબત્ત આવા પિતા બહુ જ ઓછા અંશે હશે પરંતુ સારા પિતા માટે લખાતું કે બોલાતું તો નથી જ.
માતા પાસે આંસુનો દિરયો હોય છે તો પિતા પાસે સંયમની દિવાલ હોય છે. કોઇ કારણોસર અમુક સંજોગોમાં માતા તો રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. બધાની સામે માતા મોકળા મને રડી શકે છે પણ રાત્રે પિતા તકિયામાં મોઢું છુપાવીને ડૂસકાં ભરતા હોય છે.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખૂબ મહત્વ હોય છે પરંતુ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઇને આમથી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
સંજોગાવશ દાઝી ગયા હોય કે ઠેસ લાગી હોય કે માર વાગ્યો હોય તો તરત જ ‘ઓ.. મા’ આ શબ્દો મોઢામાં થી નીકળી પડે છે પણ રસ્તો ઓળંગતા એ કોઈ ગાડી ઓચિંતી આવીને બ્રેક મારે તો ‘બાપ…રે’ આ જ શબ્દો અનાયાસે જ બોલાઇ જવાય છે.
બાળપણમાં પિતા ગુજરી જાય તો છોકરાઓને અનેક જવાબદારી ખૂબ નાની વયમાં સંભાળવી પડે છે. આપણા ઘરની વનમેન સરકાર એટલે પપ્પા. આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે પપ્પા. સંતાનોની રક્ષણની સલામત વાડ એટલે પપ્પા. મમ્મીએ ડરતા શીખવ્યું જ્યારે પપ્પા હિમ્મત આપી લડતાં શીખવ્યું. મમ્મીએ બાળકને સંવેદનશીલ બનાવે ત્યારે પપ્પા તેને સૈનિક બનાવે. પિતાનું મહત્વ કોને સમજાય છે?