પિતા પાસે નિદ્રાધીન બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, રાયખડ ચાર રસ્તા પાસે પિતાના પડખે નિશ્ચિંત પોઢી રહેલી ૪ વર્ષની બાળકીને નરાધમ દુષ્કર્મના ઇરાદે ઉપાડી ગયો હતો. બાળકીને લઇને ૨૪ કલાક સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યાે, પરંતુ કોઇ સલામત જગ્યા નહિ મળતાં બાળકી પીંખાતી બચી ગઇ.
બાળકી સતત રડ્યા કરતાં તેણે બાળકીને રેલવે સ્ટેશન નજીક છોડી દીધી હતી. બાળકી તો ચોવીસ કલાકમાં મળી ગઇ, પરંતુ આ અપરાધી મળતો નહોતો. ક્રાઇમ બ્રાંચના શરદ સિંગલ અને અજીત રાજિયાને આ ઘટનાને ગંભીરતાથી લઈ પોતાની ટીમોને ગમે તે રીતે આ શખ્સને શોધવાની સૂચના આપતા એસીપી ભરત પટેલ ઇન્સ્પેક્ટર કતારીને કામ સોંપ્યું અને તેમની ટીમે ૨૪ કલાકમાં એક હજાર સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
બાળકીના અપહરણનો વાયરલ વીડિયોથી આરોપીની ઓળખ થઇ અને સંખ્યાબંધ ભિક્ષુકોની પૂછપરછ કરાઇ અને આખરે નરાધમ બગદારામ વાસણા એપીએમસી નજીકથી ઝડપાઇ ગયો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે બાળકીનું અપહરણ દુષ્કર્મ માટે જ કર્યું હતું, પરંતુ જગ્યા નહિ મળતાં તેને બીજા દિવસે છોડી દીધી હતી. સબ સલામતના દાવા વચ્ચે અસલામત અમદાવાદનો અહેસાસ કરાવતી ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે,
બીજી જૂનના રોજ સવારે રાયખડ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર એક પિતા પાસે સૂઇ રહેલી ચાર વર્ષની દીકરીનું એક નરાધમ અપહરણ કરી જાય છે. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. ગરીબ પરિવારે દીકરીને શોધી, પરંતુ મળી નહિ એટલે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી. પોલીસને કંઇ મળ્યું નહીં ત્યારે ૨૪ કલાક બાદ બીજા દિવસે સવારે દીકરી કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી મળી આવી હતી.
પોલીસને અને પરિવારને હાશકારો થયો કે દીકરી સલામત મળી આવી, પરંતુ સીસીટીવી ફૂટેજમાં બાળકીનો અપહરણ કરનાર ઇરાદા સ્પષ્ટ દેખાતા હતા. તેથી ક્રાઇમ બ્રાંચના અધિકારીએ આ નરાધમને શોધવાનો નિર્ધાર કર્યાે હતો. આરોપીના ફોટા મળી ગયા બાદ તે નશાખોર હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે નશાખોરીના અડ્ડા પર આરોપીને શોધવા સંખ્યાબંધ ભિક્ષુકોની પૂછપરછ કરી હતી.
આખરે આરોપી વાસણા એપીએમસી પાસેથી મળી આવ્યો હતો. પોલીસે બાળકીની પૂછપરછમાં તેની સાથે કોઇ જ અનિચ્છનીય ઘટના બની નહિ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પણ પોલીસ સમક્ષ સ્વીકાર કર્યાે હતો કે તેને દુષ્કર્મ માટે જ બાળકીનું અપહરણ કર્યું હતું, પરંતુ સલામત જગ્યા નહિ મળતાં દુષ્કર્મ થઈ શક્યું નહિ અને બાળકી સતત રડતી હોવાથી તેને રેલવે સ્ટેશને છોડી દીધી હતી.
ક્રાઇમ બ્રાંચ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, ચાર વર્ષની દીકરી કોઇની પણ હોય તેનું અપહરણ કરનારને શોધી યોગ્ય સજા કરાવવી એ જ પોલીસની કામગીરી છે. ક્રિકેટ સટ્ટા બેટીંગ અને કબૂતરબાજી જેવી વિવાદાસ્પદ તપાસ સામે ક્રાઇમ બ્રાંચની આવી કામગીરી પોલીસની હરાકાત્મકતા સાબિત કરે છે.