પિતા-પુત્રએ મોટા ધંધાની વાતો કરી વહેપારી સાથે લાખોની ઠગાઈ કરી
ભાડે આપેલો ફલેટ પણ પચાવી પાડવા ખોટા ભાડા કરાર કરી વહેપારીને ધાક ધમકી આપી
નકલી ડોકટર અને ભાગીદારીના ખોટા કરારોના આધારે છેતરપીંડી કરતી ટોળકીનો પર્દાફાશ થતાં આરોપીઓને ઝડપી પાડવા વાસણા પોલીસની કાર્યવાહી
અગાઉ પણ કુશલ બ્રહ્મક્ષત્રિયએ રૂપલબેનને ફલેટ લાગ્યો છે અને તે વેચવાના બહાને રૂા.૭પ લાખનું ચીટીંગ કર્યું છે જેનો કેસ હજુ પણ ચાલુ છે.
અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીની ફરિયાદોમાં ચોંકાવનારો વધારો થયો છે ખાસ કરીને વહેપારીઓ સાથે થતી કરોડોની છેતરપીંડીમાં આરોપીઓને પકડી લેવા માટે પોલીસતંત્ર દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે.
ભેજાબાજ ગઠીયાઓ હવે નાના વહેપારીઓ તથા સામાન્ય નાગરિકો સાથે પણ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી ઠગાઈ કરવા લાગ્યા છે આવો જ એક બનાવ શહેરના પાલડી વિસ્તારમાં બન્યો છે જેમાં વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટીંગનું કામ કરતા યુવાન વહેપારીનો વિશ્વાસ કેળવી પિતા-પુત્રએ લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનામાં ખોટા પુરાવા ઉભા કરી વહેપારીનો ફલેટ પણ પડાવી લેવાની ધાકધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસને પણ ખોટી ફરિયાદ નોંધાવી ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઠગ ટોળકીની છેતરપીંડીનો પર્દાફાશ થતાં જ હવે પોલીસે આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રામવિહાર સોસાયટીમાં રહેતા અને નવરંગપુરામાં મેઘ કન્સલ્ટન્સી નામની ઓફિસ ધરાવતા યુવાન વહેપારી બિરેનભાઈ પ્રવિણભાઈ શાહના સંપર્કમાં કુશલ બ્રહ્મક્ષત્રિય અને તેના પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિય આવ્યા હતા આ બંને પિતા પુત્ર એ બોગસ કંપનીઓ ઉભી કરી હતી તેઓ ફરિયાદી બિરેનભાઈ શાહના સંપર્કમાં આવ્યા બાદ ધંધાની મોટી મોટી વાતો કરી હતી. આરોપીઓ અમદાવાદ શહેરના મકરબામાં ટોરેન્ટ સબ સ્ટેશન પાસે આવેલા અન્વયા ફ્લેટમાં રહે છે.
ર૦૧૬ના વર્ષમાં પિતા-પુત્ર દ્વારા રૂપલબેન શાહની ઓળખાણ તેમના ભાગીદાર તરીકે કરાવી હતી. રૂપલબેન શાહ વ્યવસાયે ડોકટર અને મુંબઈ જશલોક હોસ્પીટલ અને અમદાવાદ સ્મીસ હોસ્પિટલમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હાર્ટની સર્જરીમાં વપરાતા સ્પ્રે નો તેમને બહુ મોટો વ્યવસાય હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાનમાં ડોકટર રૂપલ શાહ પર ઈન્કમટેક્ષની ઈન્કવાયરી આવતા તેમનું એકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું આ પિતા-પુત્રએ જણાવ્યું હતું તેમના ખાતામાં ૭૦ કરોડ જેટલી માતબર રકમ પડેલી છે પરંતુ હાલમાં તેમને સ્પ્રે નો ધંધો આગળ વધારવા માટે હાલમાં નાણાંની જરૂર પડી છે
અને જાે રૂપિયા આપવામાં આવશે તો તેમાંથી ખુબ જ મોટો નફો મળે તેમ છે તેવી હકીકત જણાવી હતી બંને પિતા-પુત્રએ સ્પ્રે વેચવા માટેના ફાર્મા કંપનીના લાયસન્સ બતાવી કુશલને પણ રૂપલબેને ભાગીદાર બનાવ્યા છે તેવી હકીકત જણાવવામાં આવી હતી જેના પરિણામે વિશ્વાસમાં આવી રૂપલબેનને રૂા.ર૦.પ૦ લાખ અને કુશલે પણ રૂા.૧પ.પ૦ લાખની માતબર રકમ બિરેનભાઈ શાહ પાસેથી લીધી હતી
ત્યારબાદ નિયત કરેલી સમય મર્યાદામાં આ રૂપિયા પરત નહી આપતા બિરેનભાઈએ તેની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ બંને પિતા-પુત્ર વાયદાઓ આપવા લાગ્યા હતાં આ ઉપરાંત તેમણે ચેક આપ્યા હતા જાેકે આ ચેક પણ રીર્ટન થયા હતાં જેના પગલે બિરેનભાઈએ બંને પાર્ટનર કુશલ અને રૂપલ ઉપર કેસ કરવાની વાત કરતા તેઓએ કુશલ અને તેના પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિય નામનો ફલેટ રૂા.૮પ લાખમાં વેચાણથી બિરેનભાઈને આપ્યો હતો અને ઉછીના લીધેલા રૂપિયા ઈન્કમટેક્ષનો કેસ પતે કે તરત જ પરત આપી દેવાની બાંહેધરી આપી હતી.
આ દરમિયાનમાં રૂપલબેન શાહના માતા-પિતા ઉંમરલાયક હોવાથી કુશલ અને કમલેશભાઈ પાસેથી ખરીદેલો ફલેટ ભાડે આપવા માટે જણાવ્યું હતું જાેકે આ અંગે ભાડા કરાર કર્યા બાદ ફલેટ ભાડે આપ્યો હતો.
પરંતુ થોડા સમય પછી ભાડાના રૂપિયા સમયસર ચુકવવામાં આવતા ન હતા સાથે સાથે ર૦ર૦માં ભાડા કરારની મુદત પુરી થતાં હિસાબ કરીને રકમ શરત પ્રમાણે આપવા રૂપલબેન શાહને જણાવ્યું હતું આ સમયે રૂપલબહેને રૂા.૩.પ૦ લાખનો ચેક આપ્યો હતો પરંતુ આ ચેક પણ રિટર્ન થયો હતો જે અંગે તેમના ઉપર કેસ કરવામાં આવ્યો હતો
ત્યારબાદ ર૦ર૦ના વર્ષમાં કુશલ અને રૂપલબેનના સગા અચાનક જ ઠગાઈનો ભોગ બનેલા બિરેનભાઈ શાહની ઓફિસમાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે મારામારી કરી હાથમાં ફેકચર કરી નાંખ્યું હતું. ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકીઓ આપવા લાગ્યા હતા અને ફલેટ પચાવી પાડવાના હેતુથી ખોટા કેસમાં ભરાવી દેવાની પણ ધમકી આપી હતી.
આરોપીઓના મનસુબા બહાર આવવા લાગતા યુવાન વહેપારી બિરેનભાઈ શાહે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ફલેટના વેચાણ પહેલાના સમયથી બોગસ નવ્વાણુ વર્ષનો ભાડા કરારનો દસ્તાવેજ કરી ખોટો પુરાવો ઉભો કર્યો હતો અને મકાન ખાલી નહી થાય તેવુ જણાવ્યું હતું.
અગાઉ પણ કુશલ બ્રહ્મક્ષત્રિયએ રૂપલબેનને ફલેટ લાગ્યો છે અને તે વેચવાના બહાને રૂા.૭પ લાખનું ચીટીંગ કર્યું છે જેનો કેસ હજુ પણ ચાલુ છે.
આમ પિતા કમલેશ બ્રહ્મક્ષત્રિય અને પુત્ર કુશલ બ્રહ્મક્ષત્રિય દ્વારા સારા વહેપારીની છાપ ઉભી કરી સગાઓ તથા પરિચીતોને છેતરવાનું કૌભાંડ આચરી રહયા છે. બિરેનભાઈ સાથે રૂા.ર૪ લાખથી વધુની ઠગાઈ આ પિતા-પુત્ર એ કરી છે. આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં બિરેનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓની ઝીણવટભરી તપાસમાં આ તમામ ખોટા દસ્તાવેજાેની વિગતો તથા છેતરપીંડીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થઈ ગયો છે.
ખોટા ફાર્માસ્યુટિકલ લાયસન્સ અને ભાગીદાર પેઢીના પાન કાર્ડ બનાવી તથા એકાઉન્ટ ખોલી સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું છે આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના આદેશથી પોલીસ ઈન્સ્પેકટર ઝાલા એ આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.