પિયતવાળી ખેતી તરફ વળી નાની ચીખલીના ખેડૂતનો પરિવાર આર્થિક રીતે પગભર થયો
કિસાન સમ્માન નિધી યોજનામાં આર્થિક સહાય મળતાં આજે અમે પરંપરાગત ખેતી છોડી પિયતવાળી ખેતી તરફ વળવાથી અમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે : લાભાર્થી ખેડૂત ભરતભાઈ લક્ષ્મણભાઈ વસાવા
પરંપરાગત ખેતી છોડી પિયતવાળી ખેતી તરફ વળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો
કેન્દ્ર સરકારની કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ મેળવતા નાંદોદ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચીખલી ગામના ખેડૂત ભરતભાઈ લક્ષ્મણભાઈ વસાવાનો પરિવાર આર્થિક રીતે પગભર થયો
રાજપીપલા, નાંદોદ તાલુકાનું નાની ચીખલી મુખ્ય રસ્તાથી ૫ કિ.મી. દૂર ડુંગરોની હારમાળા અને કુદરતના સાનિધ્ય વચ્ચે આવેલું નાનકડુ રળિયામણું ગામ છે. આ ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવે છે.
આદિવાસી વસ્તી ધરાવતું અંતરિયાળ વિસ્તારનું ગામ હોવાથી અહીંના લોકો ટેક્નોલોજીની અત્યાધુનિક દુનિયાથી દૂર રહી વરસાદ આધારિત ખેતી ઉપર નભતા હતા. જોકે, કેન્દ્ર સરકારની કિસાન સમ્માન નિધી યોજના આ ગામ સુધી પહોંચતા હવે ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી પિયતવાળી ખેતી તરફ વળી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યાં છે.
નાની ચીખલી ગામના ખેડૂત ભરતભાઈ લક્ષ્મણભાઈ વસાવા એક એવા જ ખેડૂત છે જેઓ વડીલોપાર્જિત જમીનમાં વરસાદ આધારિત પરંપરાગત ખેતી કરતા હતા. બાદમાં તેમને કિસાન સમ્માન નિધી યોજના હેઠળ આર્થિક સહાય અને ખેતી અંગેનું યોગ્ય માર્ગદર્શન મળતા તેઓ હવે સિંચાઈ આધારિત ખેતી કરતા થયા છે.
ચોમાસામાં કપાસ-તુવેરનો પાક તો ખરો જ પણ શિયાળુ-ઉનાળુ સિઝનમાં પણ શાકભાજીની ખેતી કરી પરિવારના સભ્યો આર્થિક વૃદ્ધિ કરી રહ્યા છે. પરિવારની આર્થિક સમૃદ્ધિ વધતાં બાળકોના શિક્ષણ માટે પણ તેઓ નિશ્ચિંત થઈ ગયા છે.
આ અંગે લાભાર્થી ખેડૂત ભરતભાઈ વસાવાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે, અમારું ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી અગાઉ અમે માત્ર ચોમાસુ સિઝન આધારિત ખેતી પર જ નિર્ભર હતા.
અમે અમારા ખેતરોમાં તુવેર, કપાસ, ડાંગર, જુવાર જેવા ધાન્ય પકવતા હતા. ત્યારબાદ અમારા ગામના તલાટી અને ગ્રામસેવક મારફતે કેન્દ્ર સરકારની કિસાન સમ્માન નિધી યોજના અંગે જાણકારી મળતા જિલ્લામાં ખેતીવાડી શાખાનો સંપર્ક કર્યો હતો.
આગળ તેમણે વધુમાં ઉમેર્યું કે, જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓના માર્ગદર્શનથી અમે કિસાન સમ્માન નિધી યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું અને જરૂરી દસ્તાવેજોની પૂર્તતા કરી. જેથી કિસાન સમ્માન નિધી યોજનામાં મારો સમાવેશ થતાં એક હપ્તાના રૂપિયા ૨૦૦૦/- સીધા જ મારા બેન્ક ખાતામાં જમા થયા.
આવી રીતે દર ચાર મહિને એટલે કે એક વર્ષમાં ત્રણ વખત મળતી નાણાંકીય સહાયના અત્યારસુધી ૧૧ હપ્તાના કુલ રૂપિયા ૨૨૦૦૦/- સરકારશ્રી દ્વ્રારા અમને ચૂકવવામાં આવ્યા છે. સરકારની કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ મળવાથી તે નાણાં અમને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થયા છે.
તેનાથી ખાતર, બિયારણ અને દવા ખર્ચમાં નાણાંકીય સહાય મળી રહેતાં આજે અમે પરંપરાગત ખેતી છોડીને પિયતવાળી ખેતી કરતા થયા છીએ. આજે અમે શાકભાજીની ખેતી કરી માર્કેટમાં તેનું વેચાણ કરી અમારી નાણાંકીય જરૂરિયાત સંતોષી રહ્યા છીએ. અમારે ક્યાંય વ્યાજે કે ઉછીના રૂપિયા લેવાની જરૂર પડતી નથી. સરકારની આ યોજનાનાના અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી હોવાનું તેમણે ઉમેર્યું હતું.