PMOની ઓળખ આપીને ૬ શખ્સો અંબાજી મંદિરમાં ઘૂસ્યા

પ્રતિકાત્મક
અંબાજી: પીએમઓમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યા હોવાની ઓળખ આપી છ શખ્સોએ યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ ઇન્સપેકટરે અંબાજી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે પ્રમોદલાલ નામના શખ્સ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પીએમઓમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી જુદાજુદા સ્થળોએ મુલાકાત લેનારા શખ્સો સામે જુદાજુદા સ્થળોએ પોલીસ ફરિયાદ નોંધાઇ રહી છે. જ્યાં યાત્રાધામ અંબાજીમાં પણ છ શખ્સોએ આવી ઓળખ આપી ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ અંબાજી ટેમ્પલ ઇન્સપેકટરે નોંધાવી છે.
૧૩ જૂલાઇ ૨૦૨૧ના રોજ બપોરના ૧.૪૫ કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતા. તેમણે અમો પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવીએ છીએ તેવી ઓળખ આપી અમારે અંબાજી માતાના નીજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવા છે. તેમ જણાવતાં છએ જણાંને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા હતા.
જાેકે, અખબારોમાં આવેલા સમાચારથી જાણવા મળ્યુ હતુ કે, આ શખ્સો ખોટો હોદ્દો ધારણ કરી ગૂનો આચરી રહ્યા છે. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે અંબાજી પોલીસે પ્રમોદલાલ તેમજ તેની સાથે આવેલા ૫ શખ્સો સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે