પીપીએફ, સુકન્યા સમૃદ્ધિમાં વ્યાજદર ઓછો કરી દેવાયો
નવી દિલ્હી : નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) સહિત અન્ય નાની બચત પર સરકારે જુલાઇ અને સપ્ટેમ્બર મહિનાના ગાળા દરમિયાન વ્યાજદરમાં ૦.૧૦ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. બેકિંગ ક્ષેત્રમાં વ્યાજદરમાં આવી રહેલા ઘટાડાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આને એક મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. ભારતીય રીઝર્વ બેંક આ વર્ષે ત્રણ વખત પોતાના નિતીગત દરોમાં કુલ મળીને ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી ચુકી છે. બચત ખાતા જમા પર વ્યાજદરને બાદ કરતા સરકારે અન્ય તમામ યોજના પર વ્યાજદરમાં ૦.૧૦ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. નાણાં મંત્રાલય દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળા માટે જારી કરવામાં આવેલા જાહેરનામામાં કહેવામાં આવ્યુ છે કે વ્યાજદરમાં સુધારો કરવામાં આવ્યો છે.
બચત ખાતા જમા પર વ્યાજદરમાં કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. પીપીએફ અને એનએસસી પર વ્યાજ દરમાં કાપ મુકવામાં આવ્યો છે. આ કાપ મુકવામાં આવ્યા બાદ પીપીએફ અને એનએસસી પર વાર્ષિક વ્યાજદર ૭.૯ ટકા રહેશે. જે હાલમાં આઠ ટકા છે. બીજી બાજુ ૧૧૩ મહિનાની પાકતી મુદ્દતવાળા કિસાન વિકાસ પત્ર પર ૭.૬ ટકા વ્યાજ મળશે.
સુકન્યા સમૃદ્ધિ ખાતામાં હવે ૮.૪ વ્યાજ મળશે. એકથી ત્રણ વર્ષની અવધિ વાળી જમા રકમ પર ૬.૯ ટકા વ્યાજ મળશે. પાંચ વર્ષની અવધિ માટે ૭.૭ ટકા વ્યાજ મળનાર છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર હવે ૮.૭ ટકા હતો જે હવે ૮.૬ ટકા રહેશે.નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઓછો મળવાથી સામાન્ય બચત કરનાર લોકોને આંશિક નુકસાન થનાર છે.