પીરાણા ડમ્પીંગ સ્ટેશનમાં બીનઅધિકૃત કચરો ઠાલવતા પકડાતા રૂ.પ૦ હજાર દંડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પીરાણા ડમ્પીંગ સ્ટેશન જ્યાં રોજના હજારો ટન કચરો ઠલવાય છે. અને જેને કારણે પ્રદુષિત વાતાવરણ થતા આજુબાજુના વિસ્તારના રહીશો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ડમ્પીંંગ સાઈટમાં બિનઅધિકૃત માણસો પણ ઔદ્યોગિક કારખાનાઓમાંથી નીકળતો વેસ્ટ ત્યાં નાંખી જતાં હોય છે. આ અંગેની માહિતી મળતા, મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી આ વેસ્ટ કોણ નાંખી જાય છે તેને પકડવા માટે ખાસ વાચ ગોઠવવામાં આવી છે.
દરમ્યાનમાં શનિવારે એક વ્યક્તિ ઔદ્યોગિક કચરો પીરાણા ડમ્પીંગ સ્ટેશનમાં ખાલી કરતો રંગે હાથે ઝડપાતા તુરત જ તેની પાસેથી દંડ તથા વહિવટીય ખર્ચના રૂ.પ૦ હજાર વસુલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સંદર્ભે સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યુ હતુ કે છેલ્લા બેત્રણ દિવસથી ગંધ આવી રહી હતી કે કોઈ બીનઅધિકૃત વ્યક્તિ જીપમાં ઔદ્યોગિક વેસ્ટ લાવી કચરો ઠાલવી જાય છે. તેથી કોણ ઔદ્યોગિક વેસ્ટ નાંખી જાય છે તેને પકડવા માટે વાચ ગોઠવવામાં આવી હતી.
દરમ્યાનમાં શનિવારે આમપ્રકાશ ખાતિક, જીપમાં ઔદ્યોગિક કચરો લાવી પીરાણા ડમ્પીંગ સ્ટેશનમાં ઠાલવતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પકડાયેલા ઓમપ્રકાશે જણાવ્યુ હતુ કે તે જુદા જુદા કારખાનાઓમાંથી વેસ્ટ ભેગો કરે છે. અને અહીં આવીને ઠાલવતો હોય છે. હવેથી તે કચરો નહીં નાંખે તેની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.