Western Times News

Gujarati News

પીરાણા ડમ્પ સાઈટનું “રાજકીય બાયોમાઈનીંગ”

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટના બદલે મ્યુનિ. તિજાેરી ખાલી થઈ રહી હોવાથી કમિશ્નરે નવા ટેન્ડર જાહેર કરવા આદેશ કર્યા છે. પૂર્વ મ્યુનિ. કમિશ્નર અને વર્તમાન સોલિડ વેસ્ટ ડાયરેકટરે જે તે સમયે જાહેર કરેલા ટેન્ડરના કારણે ભ્રષ્ટાચાર વધવાની દહેશત વ્યકત થઈ હતી જે દોઢ વર્ષ બાદ સાચી સાબિત થઈ છે. પીરાણા ડમ્પ સાઈટના બાયો માઈનીંગ માટે માત્ર કોન્ટ્રાકટરના હિતને જ ધ્યાનમાં રાખવામાં આવ્યુ હતુ જેના કારણે ઘરે બેઠા રૂપિયા કમાવવાની અમુલ્ય તક માં રાજકીય લોકોએ પણ ઝંપલાવ્યુ હતુ તથા પીરાણા ડમ્પીંગ સાઈટ પર રાજકીય બાયોમાઈનીંગ શરૂ થયુ હતુ. ટ્રો- મીલ મશીન મુકવા માટે રાજકીય હુસા-તુસી અને શક્તિ પ્રદર્શન પણ શરૂ થયા હતા જેના કારણે પણ ફરીથી ટેન્ડર જાહેર કરવાની ફરજ પડી હોવાની ચર્ચા ચાલી રહી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પીરાણા ડમ્પ સાઈટના બાયોમાઈનીંગ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. દૈનિક ૩૦૦ ટન ક્ષમતાની કેપેસીટીવાળા ટ્રો- મીલ મશીન માટે માસિક રૂા.૬ લાખ ૪૦ હજારનું ભાડુ તથા લાઈટબીલ કોર્પોરેશન તરફથી ચુકવવાની શરત હતી સદ્‌ર ટેન્ડરમાં પેનલ્ટી કલોઝ રાખવામાં આવ્યો ન હતો તેમજ નવા કે જુના ટ્રો- મીલ મશીન અંગે સ્પષ્ટતા પણ ન હતી જયારે સૌથી મહત્વની બાબત બાયોમાઈનીંગ મશીનના ખર્ચ મર્યાદાની કોઈ જ મર્યાદા નકકી કરવામાં આવી ન હતી. આમ, બાયોમાઈનીંગના મલાઈદાર ટેન્ડર જાહેર થતા જ રૂા.૩૦ લાખના મશીનોને રંગરોગાન કરાવીને પીરાણા ખાતે મુકવાની શરૂઆત થઈ હતી. જુલાઈ ર૦૧૯માં ઈન્દૌરની એક પાર્ટીના ત્રણ મશીન મુકીને બાયોમાઈનીંગની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ડાયરેકટરની મરજી મુજબ ટેન્ડર મુકવામાં આવતા હતા. માત્ર છ મહીનામાં જ મુડી પરત મળવાની તથા બે-ત્રણ વર્ષ સુધી “વકરો તેેટલો નફો” થવાના કારણે રાજકીય લોકોની પણ દાઢ સળવળી હતી.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોનું માનીએ તો પીરાણા ખાતે પ્રથમ ર૧ મશીન ડાયરેકટરની મરજી મુજબ મુકવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ ૧ર મશીનો રાજકીય દબાણવશ ઈન્સ્ટોલ થયા હતા. અમદાવાદના કેટલાંક ધારાસભ્યોની ભલામણથી આઠ જેટલા મશીન મુકવામાં આવ્યા છે જયારે મ્યુનિ. કોર્પોરેશનના એક ઉચ્ચ હોદ્દેદારના પી.એ. કમ કોન્ટ્રાકટરનું મશીન પણ મનપા તિજાેરીનું બાયોમાઈનીંગ કરી રહયુ છે. પીરાણા ડમ્પ સાઈટ પર કુલ પ૦ મશીન મુકવાના હતા જેની સામે ૩૦૦ અરજીઓ આવી હતી “ઘરે બેઠા કમાણી” કરવાની અમુલ્ય તકનો લાભ લેવા બધા તત્પર હતા તેથી સત્તાની વગનો ઉપયોગ પણ શરૂ થયો હતો. પીરાણા ખાતે માત્ર એક જ જુથ કે પક્ષના મશીન મુકવામાં આવે તે બીજા જુથ કે પક્ષને પરવડે તેમ ન હતુ જેના કારણે આંતરીક વિવાદ પરાકાષ્ઠાએ પહોચ્યો હતો બીજી તરફ એક હજાર ટનના મશીનનો વિવાદ તો ઉભો જ હતો.

પૂર્વ મ્યુનિ. કમિશ્નરે એક હજાર ટનના ૧પ મશીન લગાવવા ટેન્ડર જાહેર કર્યા હતા પરંતુ તે પહેલા પુના સ્થિત “સેવ એન્વાયરો” નામની પાર્ટીનું મશીન માસિક રૂા.રર લાખના ખર્ચથી મુકવામાં આવ્યુ હતુ. નવા ટેન્ડરમાં પણ રૂા.રર લાખના ભાવ મળવાની ગોઠવણ થઈ હતી પરંતુ હૈદ્રાબાદની એક પાર્ટીએ રૂા.૧૪ લાખના ભાવ ભરીને બાજી ઉંધી પાડી હતી હૈદ્રાબાદની પાર્ટીનું ટેન્ડર મંજુર થાય તો પુનાની સંસ્થાને નુકશાન થાય તેમ હતુ પૂનાની પાર્ટીનુ રાજકીય વર્ચસ્વ છે તેથી માસિક રૂા.૧૪ લાખ ભાડાની દરખાસ્તને મંજુર કરવામાં આવતી નથી જાે આ દરખાસ્ત મંજુર થાય તો ૩૦૦ મે. ટન મશીનના ભાવમાં ૬૭ ટકાનો ઘટાડો કરવાની ફરજ પડે તેમ હતી. ટ્રો- મીલ મશીનના પ્રથમ ટેન્ડરથી શરૂ થયેલ ભ્રષ્ટાચાર અને વિવાદના વમળમાં ડાયરેકટર જાતે જ ફસાઈ ગયા છે. તેમાંથી બહાર નીકળવાનો અન્ય કોઈ માર્ગ ન મળતા નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નવા ટેન્ડરમાં કોઈ એક પાર્ટી પાસેથી વધુમાં વધુ ત્રણ મશીન લેવામાં આવશે. ત્યારબાદ કોન્ટ્રાકટરની સમંતિ હશે તો વધુ મશીન મુકી શકશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ નવા ટેન્ડરમાં એક ટ્રો-મીલ માટે માસિક રૂા.ત્રણ લાખથી વધુ ભાવ આવે તેવી શક્યતા નહીવત છે. જે લોકો એ થોડા સમય પહેલા જ મશીનની ખરીદી કરી છે તે લોકો નુકશાન ન જાય તે માટે નીચા ભાવ આપી શકે છે તેમ વધુમાં જણાવ્યું છે.

મ્યુનિ. હેલ્થ કમીટીના પૂર્વ ચેરમેન દિનેશ દેસાઈના જણાવ્યા મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પીરાણા ડમ્પ સાઈટ માટે જયારે રૂા.૪પ૦ કરોડનો ખર્ચ કરવા માટે નિર્ણય થયો તે સમયે જ તેનો વિરોધ કર્યો હતો તથા પક્ષના મોભી સુરેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી કચરાને સમથળ કરીને તે સ્થળે બગીચા બનાવવાની રૂપરેખા પણ આપી હતી ડમ્પ સાઈટ પર ઉપલબ્ધ સાધનોથી કચરાના ડુંગરને પાછળની ખુલ્લી જગ્યામાં સમથળ કરવાનો રહેતો હતો. તે સમયે રૂા.પ૦૦ કરોડના ખર્ચનો વિરોધ થયો હતો. જયારે ટ્રો-મીલ મશીનનો ખર્ચ રૂા.એક હજાર કરોડ કરતા પણ વધી જશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.