પીરાણા ડમ્પીંગ સાઈટનો બે વર્ષમાં નિકાલઃ ભ્રમ કે હકીકત?
પ્રોસેસ થયેલ ૩૦૦ મે.ટન કચરાના અલગ નિકાલની વ્યવસ્થા માટે તંત્ર અસ્પષ્ટ
(પ્રતિનિધિ દ્વારા) 02-05-2019 અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ કલંકરૂપ બની રહી છે. ડમ્પીંગ સાઈટ પર એકત્રીત થયેલા કચરાનો નિકાલ કરવા માટે છેલ્લા એક દાયકાથી મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર કવાયત કરી રહયા છે. તથા તેના માટે અનેક વખત ઈઓઆઈ પણ મંગાવવામાં આવ્યા છે.
પરંતુતે અંગે કોઈ નકકર નિર્ણય હજી સુધી થયો નથી. મ્યુનિ. સોલીડવેસ્ટ ખાતા દ્વારા ડમ્પીંગ સાઈટના ડુંગર ને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી એક મશીન લગાવવામાં આવ્યું છે. તથા આગામી દિવસોમાં આ પ્રકારના વધુ મશીનો લગાવીને માત્ર બે વર્ષમાં જ પીરાણા ડમ્પીંગ સાઈટની જમીનને સમથળ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ થઈ રહી છે.
પરંતુ આ અંગેની વાસ્તવીક હકીકત અલગ જ છે. મ્યુનિ.કમીશ્નર દ્વારા જે દાવા થઈ રહયા છે. તેમાં વાસ્તવીકતાનું પ્રમાણ ઓછું તથા ખોટા આત્મવિશ્વાસનું પ્રમાણ વધારે હોવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં એકત્રીત થતા ભીના અને સુકા કચરાનો પીરાણા ખાતે નિકાલ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૧૯૯૧ની સાલથી પીરાણા ખાતે કચરો ઠાલવવામાં આવી રહયો છે. જેના કારણે આ સ્થળે ૪પ મીટર ઉંચો કચરો નો ડુંગર થઈ ગયો છે. તથા અંદાજે ૮પ એકર જમીનમાં ૮૦ લાખ મેટ્રીકટન કરતા પણ વધારે કચરો એકત્રીત થયો છે.
મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને હોદેદારો દ્વારા કચરો પ્રોસેસ કરવા માટે અલગ-અલગ કંપનીઓ સાથે કરાર કરવામાં આવે છે. જેમાં દૈનિક ૩૦૦થી ૧૦૦૦ મે.ટન કચરો પ્રોસેસ કરવાની શરતો છે. પરંતુ તે મુજબ કંપનીઓ દ્વારા કચરો લેવામાં આવતો નથી. તથા પ્રોસેસ પણ થતો નથી તે બાબત જગજાહેર છે. પરંતુ એક મહત્વની બાબત મ્યુનિ. કમીશ્નર અને સોલીડ વેસ્ટ ડાયરેકટર દ્વારા છુપાવવામાં આવી છે. જેનો ઢાંકપિછોડો કરવા માટે જ હાલ એક મશીન થી પ્રચાર-પ્રસાર ના સાધનો ને કામ પર લગાવવામાં આવી રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રો એ જણાવ્યા મુજબ ૧૯૯૯ની સાલમાં એકસલ ઈન્ડ. સાથે દૈનિક ૩૦૦ ટન કચરો પ્રોસેસ કરવા માટે કરાર થયા હતા. સદ્દર કરારની મુદત ૧પ વર્ષની હતી. જે ર૦૧૪-૧પમાં પૂર્ણ થઈ હતી. કરારની શરતો મુજબ મુદત પૂર્ણ થયા બાદ એકસલ ઈન્ડ.પાસેથી જમીન પરત લેવાની થાય અથવા મુદતમાં વધારો કરવા માટે સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી ફરજીયાત હતા. પરંતુ સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેકટરે આ બે પૈકીકોઈ જ કામ કર્યા ન હતા. તથા ર૦૧૪-૧પથી ર૦૧૯ સુધી એકસલ ઈન્ડ.ને તેની ક્ષમતા મુજબ કચરો પ્રોસેસ કરવા માટે આપવામાં આવતો હતો. જેને નિયમ વિરૂધ્ધ માનવામાં આવે છે. ત્રણ મહીના પહેલા સફાળા જાગેલા તંત્રએ એકસલ ઈન્ડ.પાસેથી જમીનની માંગણી કરી હતી.
જેનો કંપની દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો હતો. તેથી સોલીડ વેસ્ટ ખાતાના મહાનુભાવો દ્વારા કંપનીને સીલ કરવામાં આવી હતી. પરંતુ અહી એકસલ ઈન્ડ.ના કર્તાહર્તા માથાભારે સાબિત થયા હતા. તથા બીજા દિવસે જ સીલ તોડવામાં આવ્યા હતા. જેના કારણે ખાતાના ઉચ્ચ અધિકારીએ એકસલ ઈન્ડ. સાથે સમાધાન કર્યું હતું. જેના ભાગરૂપે ડમ્પીંગ સાઈટ પર “ટ્રો-મીલ” મુકવામાં આવ્યું છે.
અહીં નોધનીય બાબત એ છે કે સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારી એકસઈ ઈન્ડ. એ સીલ તોડયું હોવાની બાબતનો અસ્વીકાર કરે છે. તથા કોર્પોરેશને જ સીલ ખોલી આપ્યું હોવાનું જણાવે છે. તેનો મતલબ એ પણ થાય કે સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન ઈજજતી બચાવવા માટે એકસઈ ઈન્ડ. ની સામે નમતુ જાખવામાં આવ્યું હતું.
પીરાણા ડમ્પીંગ સાઈટ પર એકસલ ઈન્ડ. દ્વારા જે “ટ્રો-મીલ” લગાવવામાં આવ્યું છે. તે પ્રકારનું મશીન કચરો પ્રોસેસ કરનાર દરેક કંપનીના પ્લાન્ટ પર જ હોય છે. સદ્દર મશીન પ્લાસ્ટીક વેસ્ટ,ડેબરીઝ તથા અન્ય પ્રકારના કચરાને અલગ કરે છે. મનપા દ્વારા કચરાના ડુંગરમાંથી ૩૦૦ મે.ટન કચરો લઈને મશીનમાં નાંખવામાં આવે છે. મશીન દ્વારા કચરાને અલગ કરવામાં આવે છે. જેને સેગરીગેશનનો એક પ્રકાર જ માનવામાં આવે છે.
ટ્રો-મીલ મશીન દ્વારા ૩૦૦ મે.ટન કચરાને છુટો પાડવામાં આવ્યા બાદ તેને હયાત ડુંગરની પાછળ જ ખાલી કરવામાં આવે છે.પ્લાસ્ટીક વેસ્ટ કે ડેબરીઝના નિકાલ માટે હજી સુધી કોઈ જ કંપની સાથે કરાર થયા નથી. તેથી હાલ ડુંગરમાંથી કચરો ઉઠાવી તેને અલગ તારવી ડુંગરની પાછળ જ ઠાલવવામાં આવી રહયો છે. ઉલ્લેખનીય છે કે એકસલ કંપનીને સદ્દર કામગીરી સોપવા માટેકોઈ ટેન્ડર પ્રક્રિયા કે કરાર થયા હોય તેનો ઉલ્લેખ કમીશ્નર દ્વારા કરવામાં આવ્યો નથી.
તેથી કઈ સક્ષમ સતાની મંજૂરીથી એકસલ ઈન્ડ.નેડમ્પ સાઈટ પાસે મશીન ઈન્સ્ટોલ કરવા જમીન આપવામાંઆવી છે તથા કામ સોપવામાં આવ્યા છે તેવી જ રીતે ૧૯૯૯ થી ર૦૧૪સુધી દૈનિક ૩૦૦ ટનનો જે કરાર એકસલ ઈન્ડ. સાથે કરવામાં આવ્યો હતો. તે કરારની મુજબ ૩૦૦ મે.ટન કચરો આપવામાં આવે છે. કે પછી “ટ્રો-મીલ” મશીનના ૩૦૦ મે.ટન ની જ ગણત્રી થાય છે. તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.
મ્યુનિ. કમીશ્નરે માત્ર બે વર્ષમાં જ પીરાણા ડુંગરને સમથળ કરવા માટેના દાવા કર્યા છે. આ દાવામાં કેટલું તથ્ય છે તે સમય જ બતાવશે પરંતુ સામાન્ય વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ગણત્રી કરવામાં આવે તો આ પધ્ધતિથી આગામી દસ વર્ષમાંપણ પીરાણાનો નિકાલ થઈ શકે તેમ નથી. શહેરમાંથી દૈનિક ૩૭૦૦ મે.ટન કચરો એકત્રીત થાય છે.
જે પૈકી વધુ માં ૧પ૦૦ મે.ટનકચરો પ્રોસેસ કંપનીઓને આપવામાં આવે છે. બાકી બધા “કાગળના ખેલ” હોવાનું માનવામાં આવે છે. તેથી દૈનિક બે હજાર મે.ટનકચરો ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવી રહયો છે. જેમાં ઘટાડો થાય તેવી શકયતા નહિવત છે.
મ્યુનિ. કમીશ્નરે જ કબુલાત કરી છે કે ડમ્પીંગ સાઈટ પર ૮૦ લાખ મેટ્રીક ટન કચરો છે. દૈનિક ૩૦૦ મે.ટન મુજબ ગણત્રી કરવામાં આવે તો ર૬૬૬૬દિવસ એટલે કે લગભગ ૭૩ વર્ષ થાય આચાર-સંહીતા પૂર્ણ થયા બાદ વધુ ૩૦ મશીન ઈન્સ્ટોલ કરવાના દાવા થઈ રહયા છે.
તેથી દૈનિક નવ હજાર મે.ટન કચરાનો નિકાલ થશે. ૩૦ મશીન મુજબ ગણત્રી કરવામાં આવે તો હયાત ૮૦ લાખ મે.ટનના ડુંગરનો નિકાલ કરવામાં લગભગ ત્રણ વર્ષ થઈ શકે છે. દરમ્યાન દૈનિક બે હજાર મે.ટન કચરાની આવકને ધ્યાનમાં લેવામાં આવે તો પીરાણા ડમ્પીંગ સાઈટ પર લગભગ ૧૮ લાખ મે.ટનનો કચરો ઠલવાશે.
આ સમયગાળા દરમ્યાન જે કંપનીઓને સાથે કચરો પ્રોસેસ કરવા માટે કરાર કરવામાં આવ્યા છે તેનો ૧૦૦ ટકા અમલ થાય તે પણ જરૂરી છે. દૈનિક૪૪૦૦ મે.ટન કચરાનો નિકાલ થાય તો પણ ઓછામાં ઓછા પાંચ વર્ષનો સમય થાયતેમ છે. આ તમામ “જા” અને “તો” ની પરિસ્થિતિ વચ્ચે મુખ્ય મુદ્દો એ છે કે “ટ્રો-મીલ” મશીન દ્વારા જે કચરો છુટો પાડવામાં આવે છે. તેના નિકાલ માટે પણ તાકીદે કરાર થવા જરૂરી છે. તેથી હાલ, કમીશ્નર ના દાવા ભ્રમ છે કે વાસ્તવીકતા એ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.