Western Times News

Gujarati News

પીરાણા  ડમ્પ સાઈટ-પેનલ્ટી, નોટીસ અને શાબાશીનો મેળ બેસતો નથી!

પ્રતિકાત્મક તસવીર

 

પીરાણા  ડમ્પ સાઈટ 

પીરાણા સાઈટ પર નવા ટ્રો-મીલ મશીન મુકવા સુચનાઃ સભ્યોની  ફરીયાદો દૂર નહીં થાય તો વાક આઉટ કરવામાં આવશેઃ પરેશ પટેલ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મળ્યો છે. પરંતુ સ્વચ્છતાના ધોરણ જળવાતા નથી. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જાવા મળે છે. તથા ડોર ટુ ડોરની કામગીરીનું સ્તર પણ કથળી રહ્યુ છે. પીરાણા ડમ્પ સાઈટ માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પેનલ્ટી અને નોટીસની કાર્યવાહી બાદ પણ કચરા નિકાલ માટે નક્કર કાર્યવાહી થતી નથી તેમ છતા સોલીડ વેસ્ટ ડાયરેક્ટર ‘હવા’માં ઉડી રહ્યા છે. હેલ્થ કમિટિની મીટીંગમાં સોલીડ વેસ્ટ ડાયરેક્ટર પર આ તમામ મુદ્દે પસ્તાળ પડી હતી. તથા સભ્યોની ફરીયાદોનો નિકાલ કરવામાં જા સમયસર નહીં થાય તો ઠપકાની દરખાસ્ત લાવવાની ચિમકી પણ આપવામાં આવી છે.

હેલ્થ કમિટીમાં સોલીડ વેસ્ટ ડાયરેક્ટર સામે ઠપકાની દરખાસ્ત રજુ કરવા વિચારણા

મ્યુનિસિપલ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ ખાતાની બેઠકમાં ચેરમેન પરેશભાઈ પટેલ અને કમિટિ સભ્યોએ સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટર પર પસ્તાળ પાડી હતી. ચેરમેનના જણાવ્યા અનુસાર સ્વચ્છતાના બણગા ફૂંકવામાં આવી રહ્યા હતા. પરંતુ સ્વચ્છતાના માપદંડ જળવાતા નથી. શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જાવા મળે છે. ડોર ટુ ડમ્પ માટે બમણા ભાવ આપવામાં આવ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરોની કામગીરી અત્યંત નબળી છે.

ટેન્ડરની શરતો મુજબ સેનટીગેશન અને કચરાનો નિકાલ થતો નથી. હેલ્થ કમિટીના સભ્યો છેલ્લા સાત-આઠ મહિનાથી ડોર ટુ ડમ્પની કામગીરી અને સફાઈના સ્તરમાં સુધારો કરવા માટે રજુઆત કરી રહ્યા છે તેમ છતાં તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. કમિટી સભ્યોની ફરીયાદો અને રજુઆતો પર ધ્યાન આપવામાં આવશે નહીં તો આગામી કમિટીમાં વાક-આઉટ કરવામાં આવશે. પીરાણા ડમ્પીંગ સાઈટના નિકાલ માટે દસ વે,ટ્રો-મીલ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં સાત મશીનો તો ભાડેથી લેવામાં આવ્યા છે.

પ્રત્યેક મશીન દીઠ માલિકને રૂ. સાત લાખ ભાડું ચુકવવામાં આવે છે. તેમ છતાં તમામ ટ્રો-મીલ મશીન જુના છે. કંપનીઓ દ્વારા માત્ર રંગરોગાન કરી તે જુના મશીનો મુકવામાં આવ્યા છે. તેથી જૂના મશીનોના બદલે નવા મશીનો મુકવા માટે પણ ડાયરેક્ટરને તાકીદ કરવામાં આવી છે.

કમિટિના સીનીયર સભ્ય કાંતિભાઈ પટેલ છેલ્લા આઠ મહિનાથી ડોર ટુ ડમ્પના ઓડીટ રીપોર્ટની માંગણી કરી રહ્યા છે. પરંતુ સોલીડ વેસ્ટ ડાયરેક્ટર આ બાબતે ધ્યાન આપતા નથી. આગામી કમિટિમાં ર૦૧૦થી ર૦૧૭ના કોન્ટ્રાક્ટના ઓડીટ રીપોર્ટ રજુ કરવામાં નહીં અવો તો સભ્ય દ્વારા ઠપકાની દરખાસ્ત પણ રજુ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટિના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ બાદ પણ ડાયરેક્ટરની આત્મમુગ્ધતા’ ઓછી થતી નથી. તથા ખોટી વાહ વાહ મેળવવા માટે વિવિધ પેંતરા કરી રહ્યા છે. જુલાઈ મહિનામાં ટ્રીબ્યુનલે રૂ.૭પ કોરડની પેનલ્ટી કરી હતી જેને ‘ડીપોઝીટ’ નામ આપવામાં આવ્યુ હતુ. જ્યારે ઓગષ્ટ મહિનામાં ટ્રીબ્યુનલે એક વર્ષમાં ડમ્પ સાઈટનો નિકાલ કરવા નોટીસ આપી છે.

આમ, છેલ્લા બે મહિનાથી ટ્રીબ્યુનલે કડક કાર્યવાહી કરી છે તેમ છતાં સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટર ‘સ્વ-પ્રશંસા’ કરવામાં મશગુલ છે. તથા ટ્રો-મીલ મશીન મુકવા બદલ ટ્રીબ્યુનલે અભિનંદન આપ્યા હોવાનો પ્રચાર કરી રહ્યા છે. જા ટ્રીબ્યુનલે અભિનંદન આપ્યા હોય તો રૂ.૭પ કરોડની પેનલ્ટી તથા એક વર્ષમાં ડમ્પ સાઈટ કલોઝરની નોટીસ શા માટે આપી ?? તે બાબત સમજવી મુશ્કેલ છે. સ્વચ્છ ભારત મિશનના સર્વેક્ષણ દરમ્યાન ઓડીએફ  માટે નેગેટીવ રીમાર્ક મળી હતી. ત્યારબાદ યેનકેન પ્રકારે ફરીથી સર્વેક્ષણ કરાવીને ઓડીએફ++ નું સર્ટીફિકેટ મેળવવામાં આવ્યુ છે.
ડોર ટુ ડમ્પમાં પણ પ્રતિ ટન રૂ.૧પ૦૦ના ભાવ આપવામાં આવ્યા છે. જે જુના કોન્ટ્રાક્ટ કરતા લગભગ બમણા છે. સદર કોન્ટ્રાક્ટમાં સેગરીગેશનની શરત મુખ્ય હતી જેનો અમલ થતો નથી. મ્યુનિસિપલ કમિશ્નરે એક જ દિવસમાં ૩પ હજાર કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ પરિણામ શૂન્ય આવ્યુ છે.

ખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મજબુત સાંઠગાંઠ છે. એવી જ રીતે અધિકારીઓ, પ્રોસેસ કંપનીઓ અને ટ્રો-મીલ કોન્ટ્રાક્ટરોના મેળાપીપણા કરી રહ્યા છે. ટ્રો-મીલ મશીનમાં જે કચરો છુટો પાડવામં આવે છે તેના બારોબાર વેચાણ થઈ રહ્યા હોવાની પણ અનેક ફરીયાદો કમિટી સભ્યો સમક્ષ આવી રહી છે.

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ છુટો પાડવામાં આવેલા કચરા’ના વેચાણ કરીને ‘કરોડપતિ’ થઈ રહ્યા છે. જ્યારે જે કંપનીઓ સાથે કચરો પ્રોસેસ કરવાના કરાર કરવામાં આવ્યા છે તેમજ લાખો ચોરસ મીટર જમીન આપવામાં આવી છે તે કંપનીઓ કરારની શરતોનું પાલન કરતી નથી. તેથી આવી કંપનીઓના ટ્રો-મીલ મશીન જ ડમ્પ સાઈટ પર મુકવામાં આવ્યા છે. જેમાં લાઈટબીલ કોર્પોરેશન ચુકવી રહ્યુ છે. સોલીડ વેસ્ટ ડાયરેક્ટર છેલ્લા એક વર્ષથી કમિટિ સભ્યોને સંતોષજનક જવાબ આપતા નથી તેમ કમિટી સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.