પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ માટે ટેન્ડર ખોલતાં જ ભ્રષ્ટાચાર જાહેર થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Pirana-1024x496.jpg)
જે કંપનીને રૂા.૨૨ લાખ ચૂકવાયા હતા તે જ કંપનીએ રૂા.૧૨ લાખના ભાવ આપ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટ પર કચરાના બદલે મ્યુનિ.તિજાેરી ખાલી થઈ રહી હોવાથી કમીશનરે નવા ટેન્ડર જાહેર કરવા આદેશ કર્યા હતા. જે અંતર્ગત જાહેર કરવામાં આવેલ નવા ટેન્ડરમાં ૧૩૬ કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો છે. જેમાં એક હજાર ટનના ટ્રો-મીલ મશીન માટે મંગળવારે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેને કોન્ટ્રાક્ટરએ આપેલાં ભાવના બદલે “ભ્રષ્ટાચારના ટેન્ડર” ખોલવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મ્યુનિ.કમીશનર સોલિડ વેસ્ટ ખાતાના તત્કાલિન ડે.મ્યુનિ.કમીશનર અને ખાતાના ડાયરેક્ટર દ્વારા જે તે સમયે કરવામાં આવેલી ગેરરીતી નવા ટેન્ડરમાં જાહેર થઈ છે. જુના ટેન્ડરની સરખામણીએ નવા ટેન્ડરમાં લગભગ ૪૦ ટકા જેટલા નીચા ભાવ આવતા અધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.
પીરાણા ડમ્પ સાઈટ પર કચરાના બાયોમાઈનીંગ માટે મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એક વર્ષ અગાઉ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ટ્રો-મીલ મશીન માટે રૂા.૬.૪૦ લાખના ભાવ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન મ્યુનિ.કમિશનરે ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર જ એક હજાર મે.ટનની ક્ષમતાવાળા ટ્રો-મીલ મશીન પણ ડમ્પ સાઈટ પર શરૂ કરાવ્યા હતા. પૂના સ્થિત સેવ એન્વાયરો કંપનીને માસિક રૂા.૨૨ લાખ ભાડુ ચૂકવી એક હજાર મે.ટનનું ટ્રો-મીલ મૂકવામાં આવ્યું હતું. જેના માટે કામ ઝડપથી પૂર્ણ કરવાના કારણો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડમ્પ સાઈટ પર એક હજાર મે.ટનના વધુ મશીન મૂકવાની ગોઠવણ થઈ હતી. પરંતુ તે માટે ટેન્ડર પ્રક્રિયા અનિવાર્ય હતી.
સૂત્રોએ જણાવ્યા મુજબ એક હજાર ટનના મશીન માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં. “સેવ એન્વાયરો”ને જ કોન્ટ્રાક્ટ મળે તે માટે ગોઠવણ થઈ ગઈ હતી. પરંતુ તેમાં અચાનક વિઘ્ન આવ્યું હતું. તથા હૈદ્રાબાદ સ્થિત કંપનીએ એક હજાર ટનના મશીન માટે રૂા.૧૪ લાખના ભાવ આપ્યા હતા. જે મશીન માટે રૂા.૨૨ લાખ ચૂકવવામાં આવતા હતા તેના માટે રૂા.૧૪ લાખના ભાવ આવ્યા હતા. તેથી જાે આ ટેન્ડર મંજૂર થાય તો અગાઉ ટેન્ડર પ્રક્રિયા વિના ચૂકવવામાં આવેલા રૂા.૨૨ લાખમાં મોટી ગેરરીતી થઈ હોવાની વાત જાહેર થાય તેમ હતી. જેના કારણે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તથા ભ્રષ્ટાચારના અમલમાં ફસાયા હતા. પરંતુ તેમના સદનસીબે “સેવ એન્વાયરો” કંપની કે જેને પ્રતિ માસ રૂા.૨૨ લાખ ચૂકવવામાં આવ્યા હતા તે રાજકીય રીતે મજબુત હતી. જેના કારણે હેલ્થ કમીટીમાં જ રૂા.૧૪ લાખના ભાવ ભરેલા ટેન્ડર મંજૂર કરવામાં આવતા ન હતા. આ બાબત વર્તમાન મ્યુનિ.કમિશનરના ધ્યાને આવતા તેમણે નવા ટેન્ડર જાહેર કરવા સુચન આપી હતી.
![]() |
![]() |
મ્યુનિ.સોલિડ વેસ્ટ ખાતા દ્વારા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ માટે જાહેર કરવામાં આવેલા નવા જાહેર કરવામાં આવેલા નવા ટેન્ડરમાં ૧૩૬ કોન્ટ્રાક્ટરોએ ભાગ લીધો છે. આના દ્વારા સોમવારે એક હજાર મેટ્રિક ટન ટ્રો-મીલ મશીનના ટેન્ડર ખોલવામાં આવ્યાં હતા. જેમાં ૨૬ કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો હતો. જે પૈકી ૧૫ ક્વોલીફાઈ થયા હતા. એક હજાર મે.ટનની ક્ષમતાવાળા મશીન માટે સૌથી ઓછા ભાવ રૂા.૧૨ લાખ આવ્યા છે. જે પૂના સ્થિત “સેવ એન્વાયરો” નામની કંપનીએ આપ્યા છે. આ જ કંપનીને સોલિડ વેસ્ટ ડાયરેક્ટર દ્વારા ટેન્ડર પ્રક્રિયા વિના પ્રતિ માસ રૂા.૨૨ લાખ ચૂકવવામાં આવતા હતા. ટેન્ડર પ્રક્રિયા બદા દર મહિને મશીન દીઠ રૂા.૧૦ લાખ ઓછા થયા છે. તેથી અગાઉ જે રકમ આપવામાં આવતી હતી. તેમાં “ગાંધી-વૈદ્ય”નું સહિયારુ હોવાની શંકા પ્રબળ બને છે. જાે કે, જૂના ટેન્ડરની જેમ નવા ટેન્ડરમાં પણ કેટલા મશીન મૂકવામાં આવશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેવી જ રીતે મશીન નવા રહેશે કે જુના તે અંગે પણ કોઈ શરતનો ઉલ્લેખ નથી. જૂના ટેન્ડરની જેમ નવા ટેન્ડરમાં પણ લાઈટબીલ તો કોર્પાેરેશન જ ભોગવશે.
બાયોમાઈનીંગના નવા ટેન્ડરમાં એક હજાર મે.ટન માટે પ્રતિ માસ રૂા.૧૨ લાખના ભાવ આવ્યા છે. તેથી ૩૦૦ મે.ટનના ટ્રો-મીલ મશીન માટે પ્રતિ માસ વધુમાં વધુ રૂા.૩.૫૦ લાખના ભાવ આવી શકે છે. હાલ, ૩૦૦ મે.ટન માટે પ્રતિ માસ રૂા.૬.૪૦ લાખ આપવામાં આવે છે. એક હજાર મે.ટનના ટ્રો-મીલ માટે બહુચર્ચિત એકસલ ઈન્ડ.દ્વારા રૂા.૧૯.૫૦ના ભાવ આપવામાં આવ્યા છે. જેને ભૂલ ગણી ડીસ્કવોલીફાઈ કરવામાં આવી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.