Western Times News

Gujarati News

પીરાણા ૧૮૦ MLD પ્લાન્ટના કોન્ટ્રાકટરને પેનલ્ટીમાંથી મુક્તિ

મ્યુનિ. અધિકારીઓ કોન્ટ્રાકટરને બચાવવા નદી પ્રદુષિત કરી રહયા છે ઃ વાર્ષિક રૂા.ર.પ૦ કરોડ ચુકવ્યા બાદ પેરામીટર મળતા નથી

મનપાનું એકમાત્ર એસટીપી જયાં પ્રોસેસ થયા બાદ ટીડીએસ વધે છે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઉત્પન્ન થતા સુઅરેજ વોટરને શુધ્ધ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુઅરેજ વોટર ટ્રીટ થયા બાદ જ તેને સાબરમતી નદીમાં છોડવામાં આવી રહયુ છે તે મતલબના દાવા મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર દ્વારા અવાર નવાર થતા રહયા છે. તંત્રના દાવા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે આસમાન- જમીનનું અંતર છે, તે બાબત અનેક વખત પુરવાર થઈ છે. તેમજ પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટના ઓપરેશન- મેઈન્ટન્સ કોન્ટ્રાકટમાં સદ્‌ર બાબતનો પરોક્ષ રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે તેમજ મ્યુનિ. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરના ફાયદા માટે નિયમો અભરાઈએ મુકવામાં આવ્યા છે તેમજ પૂર્ણ થયેલા કોન્ટ્રાકટની માફક પેનલ્ટીની ફાઈલ પણ અભરાઈએ મુકવામાં આવી શકે છે. પીરાણા પ્લાન્ટના કોન્ટ્રાકટરને વરસે- દહાડે રૂા.બે કરોડ કરતા વધુ રકમ આપવા છતાં પેનલ્ટી લેવામાં આવતી નથી, જેના માટે કેમીકલયુક્ત પાણીની વધુ આવક અને ખરાબ મશીનરીના કારણ આપવામાં આવી રહયા છે જેને તર્કહીન માનવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૯ના વર્ષમાં પીરાણા વિસ્તારમાં ૧૮૦ એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સદ્‌ર પ્લાન્ટનો બે વર્ષ માટે ઓપરેશન મેઈન્ટેન્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે થોડા સમય પહેલા જ પુર્ણ થઈ ગયો છે, પ્લાન્ટના જુના કોન્ટ્રાકટના ટેન્ડરમાં સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ થયા બાદ પેરામીટર ન મળે તો પેનલ્ટીની શરત રાખવામાં આવી હતી.

પરંતુ ડી.એન.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરનું ટ્રીટમેન્ટ મંજુર થયા બાદ તત્કાલીન સીટી ઈજનેર અને અન્ય જવાબદાર અધિકારી દ્વારા એક ફાઈલ તૈયાર કરવામાં આવી હતી જેમા કોન્ટ્રાકટરને પેનલ્ટીમાંથી મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી હતી. પીરાણા પ્લાન્ટમાં કેમીકલયુક્ત પાણીની વધુ આવક તેમજ મશીનરી ખરાબ થઈ હોવાથી પેરામીટર જાળવવા મુશ્કેલ હોવાના કારણો કમિશ્નર સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા તેમજ પીરાણા પ્લાન્ટના કોન્ટ્રાકટરને પણ પેનલ્ટી ન કરવા માટે દરખાસ્ત મંજુર કરાવી હતી.

સુત્રોએ જણાવ્યા મુજબ પીરાણા પ્લાન્ટમાં રૂા.એક થી દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવે તો પેરામીટર જળવાય તેમ હતા તેમ છતાં તત્કાલીન ઉચ્ચ અધિકારીઓએ કોન્ટ્રાકટરના ફાયદા માટે નદીને અશુધ્ધ કરવા તૈયાર થયા હતા. મ્યુનિ. કોર્પોરેશનના જુના અધિકારીઓએ કરેલી શરુઆતને એસટીપી વિભાગના વર્તમાન અધિકારીઓએ યથાવત રાખી છે તેમજ જુનો કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ પેનલ્ટીની શરત સાથે નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા, પ્લાન્ટમાં ખર્ચ કરવામાં આવ્યો ન હોવાથી અન્ય કોન્ટ્રાકટરોએ પેનલ્ટી શરત સાથે ટેન્ડરમાં ભાગ લીધો ન હતો તેથી ભુતકાળની માફક ફરી એક વખત ડી.એન.પી. ઈન્ફ્રા.ને સીંગલ ટેન્ડર સાથે બે વર્ષનો કોન્ટ્રાકટ મળ્યો છે જેમાં વર્કઓર્ડર મળી ગયા બાદ પેનલ્ટી માફ કરવામાં આવે તેવી શક્યતા છે.

મ્યુનિ. સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે એસટીપી વિભાગના જુના અધિકારીઓ કરતા નવા અધિકારી થોડા સ્માર્ટ સાબિત થયા છે. નવા કોન્ટ્રાકટમાં કેટલાક પાર્ટ્‌સ લગાવવાની શરત રાખવામાં આવી છે જેનો ખર્ચ ટેન્ડર રકમમાં સામેલ કરવામાં આવ્યો છે. પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટના નવા ટેન્ડરની શરત મુજબ કોન્ટ્રાકટર દ્વારા બ્લોવર, ડીસ્ફયુઝર અને ફલજ પમ્પસ બદલવામાં આવશે તેના માટે બે વર્ષ સુધીની વોરંટી મળી શકે છે જેનો લાભ કોન્ટ્રાકટરને મળશે. જયારે આ તમામ પાર્ટ્‌સનો કુલ ખર્ચ રૂા.૧.પ૦ કરોડ થઈ શકે છે ચોંકાવનારી બાબત એ છે કે વર્લ્ડ બેંકમાંથી મળનાર લોનમાંથી રૂા.ર.રપ કરોડના ખર્ચથી પુર્ણ પ્લાન્ટ અપગ્રેડ થઈ જશે. પીરાણા પ્લાન્ટમાં કેમીકલયુક્ત પાણીની આવક વધારે છે

જેના માટે ઈજનેર અધિકારીઓ જવાબદાર છે. તંત્ર દ્વારા રૂા.રપ કરોડના ખર્ચથી સુઅરેજ વોટરની દૈનિક માહિતી માટે “ઓટોમેશન”ની કામગીરી કરવામાં આવી હતી પણ ઈજનેર અધિકારીઓને ડેટા લેવામાં રસ નથી, કંપની દ્વારા એસટીપીમાં લગાવવામાં આવેલ ઈન્સ્ટ્રુમેન્ટમાં પણ ગરબડ કરવામાં આવી હોવાની શક્યતા વ્યકત થઈ રહી છે.

મ્યુનિ. એસટીપી વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ પીરાણા પ્લાન્ટ એક માત્ર એવો પ્લાન્ટ છે કે જયાં સુઅરેજ વોટર ટ્રીટ થયા બાદ ટીડીએસમાં વધારો થયો છે. તંત્ર દ્વારા છેલ્લા ચાર-પાંચ મહીનામાં કરવામાં આવેલી ચકાસણી મુજબ આવકના પાણીમાં ૮૧૦ ટીડીએસ સામે પ્રોસેસ થયા બાદ ૧૦પ૦ ટીડીએસ આવ્યા હતા તેમજ એકંદરે પ્લાન્ટમાં જે સુઅરેજ વોટર આવે છે તેમાં ૬૮૦થી ૮૬૦ સુધીના ટીડીએસ નોંધાયા હતા જયારે પ્રોસેસ થયેલા પાણીમાં ૭૪૦થી ૧૦પ૦ ટી.ડી.એસ નોંધાયા હતા તેવી જ રીતે પ્રોસેસ થયા બાદ બીઓડીની માત્રા રપ થી ૧૩૦ અને સીઓડીની માત્રા ૭૦ થી રર૦ સુધી આવે છે તેમ છતાં કોન્ટ્રાકટરને પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.