ફાયર ઓફિસરની પાંચ જગ્યા માટેે ૧૪ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યા

(એજન્સી) અમદાવાદ, આસિસ્ટન્ટ ડીરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસરની પાંચ જગ્યા માટે ૧૪ ઉમેદવારોએ સોમવારે ઈન્ટરવ્યુ આપ્યા હતા. ત્રણ સીનિયર અધિકારીઓએ ઉમેદવારોના ઈન્ટરવ્યુ કર્યા હતા. આસિસ્ટન્ટ ડીરેક્ટર રીજીયોનલ ફાયર ઓફિસરની પોસ્ટ ખેુલી ત્યારથી એક પણ વખત આ જગ્યા ભરવામાં આવી નથી.
ઈન્ટરવ્યુમાં પસંદગીના ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હોવાનો અનુભવી ઉમેદવારોનો આક્ષેપ છે. અનુભવી ઉમેદવારો કહે છે કે ઈન્ટરવ્યુમાં તાજેતરમાં ભણીને પાસ થયા હોય એવા જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. અમારી પાસે ફાયર વિભાગની જુદી જુદી કામગીરીનો ૧ર થી ૧પ વર્ષ કરતા વધુ અનુભવ છે. છતાં અમને બોલાવવામાં આવ્યા નથી.
આ પોસ્ટના ઇન્ટરવ્યુમાં રીતસર અનુભવી ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ડીવિઝન ઓફિસરનો કોર્સ પાસ કર્યો હોય એવા ઉમેદવારોની પણ બાદબાકી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
વિવિધ શેહેરમાં ફાયર સંબંધિત બનાવો બનતા હોવાથી મહત્ત્વની પોસ્ટ ભરવા હાઈકોર્ટે નિર્દેશ બાદ આ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઈન્ટરવ્યુમાં પસંદગીના લોકોની ભરતી કરવા માટે જ યોજાયા હોય એવો ઉમેદવારોનો આક્ષેપ છે.
એવુ પણ ધ્યાને આવ્યુ છે કે જે લોકોએ ઈન્ટરવ્યુ આપ્યા છે તેમાંથી કેટલાંક ફાયરના સાધનોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આમ, ફાયર વિભાગની અને સાધનો વેચનારાની મીલીભગત હોવાનુ ધ્યાને આવ્યુ છે. જેથી અનુભવી ઉમેદવારોનો કોઈ મતલબ જ નથી. ખાલી બોલાવવા પૂરતા જ અનુભવી ઉમેદવારોને બોલાવ્યા હોય એેવુ આવેલા ઉમેદવારોમાં ચર્ચાઈ રહ્યુ હતુ.