પીસીબીના સીઇઓ વસીમ ખાને પોતાના પદેથી રાજીનામુ આપ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/PCB-1024x533.jpg)
ઇસ્લામાબાદ, પાકિસ્તાન ક્રિકેટ માટે હાલનો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. એક પછી એક ખરાબ સમાચાર પાકિસ્તાન ક્રિકેટમાંથી સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ બુધવારે પુષ્ટિ કરી છે કે, સીઇઓ વસીમ ખાને રાજીનામું આપ્યું છે. ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, બોર્ડ આ મામલે વિચારવા માટે પછી બેઠક કરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ વસીમ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વસીમ ખાને પોતાનો કરાર સમાપ્ત થવાના ચાર મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે. ૨૦૧૯ માં, વસીમ ખાને પીસીબીના સીઇઓ તરીકે પદ સંભાળ્યું અને ત્રણ વર્ષનાં કરાર પર હસ્તાક્ષર કર્યા. પીસીબીએ પુષ્ટિ કરી છે કે, વસીમ ખાને રાજીનામું આપ્યું છે.
પીસીબીનાં સત્તાવાર નિવેદન મુજબ, વસીમ ખાને રાજીનામું આપ્યું છે.” તાજેતરમાં જ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન રમીઝ રાજાને પીસીબી ચીફ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રમીઝ રાજાએ પદ સંભાળ્યું ત્યારથી પીસીબીમાં અનેક રાજીનામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તાજેતરનાં સમયમાં પાકિસ્તાન ક્રિકેટમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર આવ્યા બાદ સુરક્ષાનાં કારણોને ટાંકીને એક પણ મેચ રમ્યા વગર ઘરે પરત ફરી હતી.