પી ચિદમ્બરમની ઇડીને ધરપકડની મંજૂરી, ૩૦ મિનિટ સુધી પૂછપરછ કરી શકશે
નવીદિલ્હી, દિલ્હીની એક વિશેષ કોર્ટે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આઇએનએસ મીડિયા મની લોન્ડ્રિંગ મામલામાં ઇડીને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવા અને પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ઇડીને પી ચિદમ્બરમની ધરપકડ કરી ૩૦ મિનિટ સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપી છે.
ઇડી કાલે દિલ્હીની તિહાડ જેલમાં ચિદમ્બરમની પૂછપરછ કરશે. કોર્ટે ઇડીની અરજી પર પ્રોડક્શન વોરન્ટ જાહેર કરી ચિદમ્બરમને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિશેષ સીબીઆઇ જજ અજય કુમાર કુહારે સોમવારે ઇડી અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય મંગળવાર ૪ વાગ્યા સુધી સુરક્ષિત રાખ્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કોર્ટ સમક્ષ પી ચિદમ્બરમની ધરપકડની મંજૂરી માંગતા કહ્યું હતું કે મીડિયા કેસ કાળા નાણાના મનિ લોન્ડ્રિંગનો મામલો સીબીઆઇના કેસથી અલગ છે અને તેમા એમની ધરપકડ કરી પૂછપરછ કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટ પણ આ વાત પર પોતાની સહમતિ આપી ચૂક્યું છે. જ્યારે બીજી તરફ ઇડીની અરજીનો વિરોધ કરતા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ તમામ કેસ એક છે અને ઇડીનો કેસ સીબીઆઇની એફઆઇઆર પર આધારિત છે.
સિબ્બલે કહ્યું હતું, સીબીઆઇ આ કેસમાં તેમની (ચિદમ્બરમની) પૂછપરછ કરી ચૂકી છે. એજન્સીની પૂછપરછ બાદ જ ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ઇડીને રિમાન્ડ ન આપવા જોઇએ.