પુંડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હી, પુડુંચેરીમાં કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવતા કેન્દ્રિય મંત્રીમંડળે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરતા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પુડુંચેરીમાં સરકાર તૂટ્યા બાદ બીજેપી કે અન્ય પાર્ટીઓએ સરકાર બનાવવાનો દોવો રજૂ કર્યો ન હતો. જે પછી ઉપરાજ્યપાલની ભલામણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણને મંજૂરી આપી હતી.
બેઠક પછી સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પુડુંચેરીમાં સીએમ નારાયણસ્વામીના રાજીનામું આપ્યા બાદ અન્ય કોઇ પક્ષે સરકાર બનાવવાનો દાવો માંડ્યો ન હતો, જેથી રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરતા કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી પછી ત્યાં વિધાનસભા ભંગ કરવામાં આવશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પુડુંચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવશે એવી આશા છે. જે મુજબ આચાર સંહિતા લાગૂ કરવામાં આવશે. આ જ અઠવાડિયામાં બહુમતી પર મતદાન પહેલા જ મુખ્યમંત્રી નારાયણસ્વામીએ રાજીનામું આપી દીધુ હતું.
જેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવી હતી. મુખ્યમંત્રી નારાયણસ્વામીએ તેમની સરકાર પાડવા માટે બીજેપી અને એઆઇએડીએમકે પર કાંવતરુ રચ્યુ હોવાના આરોપ લગાવ્યા હતા.