પુડુંચેરી-તમિલનાડુના દરિયાકાંઠે નિવાર વાવાઝોડું ટકરાતાં વરસાદ
નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું નિવાર અડધી રાત બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં દરિયાકાંઠે ટકરાયું છે. આ દરમિયાન ભારે વરસાદ પડ્યો. તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે ચેન્નઈ, કુડ્ડલોર, મહાબલીપુરમ સહિત અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. પુડુચેરીમાં પણ પવન ફુંકાવાની સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આઈએમડીએ ગુરુવારે કહ્યું કે ભયંકર ચક્રવાતી વાવાઝોડું નિવાર ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આગામી ૩ કલાક દરમિયાન વાવાઝોડું નબળું પડશે.
આઈએમડીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું હતું કે, અત્યંત ભીષણ ચક્રવાતી વાવાઝોડું નિવાહ હજુ પુડુચેરીના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ ૪૦ કિમી દૂર સ્થિત કુડ્ડાલોરથી ૫૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં છે. ચક્રવાતી વાવાઝોડું પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી ૩ કલાકમાં પુડ્ડુચેરીની નજીકના કાંઠાને પાર કરી જશે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું કે નિવાર ચક્રવાતી વાવાઝોડાને ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે તમિલનાડુ તથા ચેન્નઈની વચ્ચે દરિયાકાંઠા તરફ પહોંચવાની નજીક છે. આઈએમડીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર ૨૫ નવેમ્બર રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાથી ૨૬ નવેમ્બરની સવારે ૨ઃ૩૦ વાગ્યા દરમિયાન પુડ્ડુચેરીની પાસેના કાંઠાને પાર કરી ગયું.
પુડ્ડુચેરીના ઉત્તર પૂર્વ સેક્ટરમાં પવનો ફુંકાશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી ૩ કલાક દરમિયાન પવની ઝડપ ધીમે-ધીમે ઘટીને ૬૫-૭૫ કિમી પ્રતિ કલાક થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નિવાર વાવાઝોડું તમિલનાડુ અને પુડ્ડુચેરીના કાંઠે ટકરાવવાનું શરૂ કીર દીધું છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નિવારના કારણે પવન સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. નિવાર વાવાઝોડાના કારણે ગુરુવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે.
ચેન્નઈ એરપોર્ટ અને મેટ્રો સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી છે. તોફાની વાવાઝોડા નિવારની લેન્ડફોલની પ્રક્રિયા સતત થઈ રહી છે. વાવાઝોડું ૨૫ તારીખે સાડા ૧૧ વાગ્યાથી ૨૬ નવેમ્બરની સવારના અઢી વાગ્યા સુધી પુડુચેરીના દરિયા કિનારા સાથે ટકરાયું. તેની જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી છે. આઈએમડી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગંભીર વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ૨૬ નવેમ્બરે ૨ વાગ્યેને ૩૦ મિનિટે હવાની ગતિ ૧૦૦-૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકથી ૧૨૦ કિલોમીટર પ્રતિકલાક સુધી રહી.
આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતું રહેશે અને આગામી કલાકોમાં નબળું પડી જશે. પુડુચેરીના લેફ્ટન્ટ ગવર્નર કિરણ બેદીએ વાવાઝોડા પર ટિ્વટ કર્યું છે. તેમણે લખ્યું છે કે હવાની ગતિ તેજ છે. લેન્ડફોલની પ્રક્રિયા થઈ રહી છે. તેમણે તે દરમિયાન એવી પણ સંભાવના વ્યક્ત કરી હતી કે વાવાઝોડાનું લેન્ડફોલ સવારે ૫ વાગ્યે થઈ શકે છે. આ વાવાઝોડાનું નામ નિવાર ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે જેનો અર્થ અટકાવવું થાય છે. વાવાઝોડાના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો.