પુણેમાં કોરોનાનાં એટલા બધા કેસ વધ્યા કે સારવાર માટે હોટલ ભાડે લેવી પડી
પુણે: ભારતમાં હવે કોરોના વાયરસએ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. એક વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી તેના કરતા પણ હવે વધુ ગંભીર પરિસ્થિતિઓ જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧.૧૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, જે આજ સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. એટલું જ નહીં, સક્રિય કેસની સંખ્યા ફરી દસ લાખ થઈ રહ્યા છે. આ વચ્ચે ઘણા રાજ્યમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પુણેમાં કોરોનાનાં એટલા કેસ સામે આવ્યા કે હવે તેમની સારવાર માટે હોટલ ભાડે લેવી પડી રહી છે.
દેશમાં દિલ્હી અને મુંબઇમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અહી હોસ્પિટલમાં બેડ્સ ઝડપથી ભરાઇ રહ્યા છે. ત્યારે પુણેની વાત કરીએ તો અહી બેડની વિશાળ અછત જાેવા મળી છે. પાછલા ૧૫ દિવસથી દરરોજ ચાર હજારથી વધુ કેસ પુણેમાં આવી રહ્યા છે, આ કિસ્સામાં બેડ ઝડપથી ભરાઇ રહ્યા છે. પુણેની રૂબી હોસ્પિટલ મુજબ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે, તેથી બેડની અછત છે. હોસ્પિટલે ત્રણ હોટલો ભાડે આપી છે, જેમાં કુલ ૧૮૦ બેડ છે. આ હોસ્પિટલ સિવાય પુણેની સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોમાં પણ બેડ ઝડપથી ભરાઈ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં નવા કેસનાં મામલામાં દેશમાં દરરોજ રેકોર્ડ્સ બની અને તૂટી રહ્યા છે. બે દિવસ પહેલા કોરોના એક લાખનો આંકડો ઓળંગી ગયો હતો, હવે બુધવારે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. ભારતમાં આજે કોરોનાનાં ૧.૧૫ લાખ નવા કેસ નોંધાયા છે. જે અત્યારનો એક રેકોર્ડ છે. સૌથી વધુ સંકટ મહારાષ્ટ્રમાં છે, જ્યાં ૫૬ હજાર કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પણ, જ્યાં આશરે ૬ મહિના પછી ૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. આ બંને રાજ્યો સિવાય યુપી, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટકમાં લાંબા સમય પછી રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે.