પુણેમાં ભારે વરસાદનું એલર્ટ
મુંબઈ: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વરસાદ અને દિવાલ પડવાની ઘટનાઓમાં લગભગ 12 લોકોનું મોત થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બીજી તરફ બુધવારે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા 11 હજાર લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતાં. પોલીસ પ્રમાણે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે અને બચાવકાર્ય ચાલુ છે. રિપોર્ટ પ્રમાણે 1 હજાર જેટલા પશુ મોતને ભેટ્યા છે અને કેટલીયે ગાડીઓ પૂરમાં તણાઇ ગઇ છે.
હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પુણે શહેરના કાત્રજ, બીબેવાડી, સિંહગઢ અને સહકાર વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. ઘણા વિસ્તારોમાં વિજ પુરવઠો પણ ઠપ્પ છે. NDRFની બે ટીમ પુણે અને બારામતીમાં તહેનાત છે. અધિકારીઓ પ્રમાણે પુણેના ખેડ-શિવપુર ગામમાં એક દરગાહમાં સૂતેલા પાંચ લોકો તણાઇ ગયા હતા. પોલીસ અધિક્ષક સંદીપ પાટિલે કહ્યું કે પુરંદર વિસ્તારના બે યુવકોના લાપતા થવાના સમાચાર છે.