પુણે-મુંબઈ એક્સપ્રેસ-વે પર અકસ્માત થતાં પતિ-પત્ની અને ૪ વર્ષના પુત્રનું ઘટનાસ્થળે મોત
મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે. આ દરેક લોકો કારમાં સવાર હતાં. આ ઘટના તમને વિચલિત કરી શકે છે. આ વીડિયોમાં એક બેકાબૂ કન્ટેનર પહેલા ગાડી અને પછી પોતાની આગળ ચાલતા ટ્રકને અડફેટે લે છે. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ-વે પર લગભગ ૨ કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ દુર્ઘટના ખોપોલી એગ્ઝિટ અને ફૂડ મોલ વચ્ચે ગુરુવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેમને સૂચના મળી હતી એના આધારે ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો. લગભગ ૨ કલાકના અથાગ પ્રયત્નો પછી ગાડીને કટરથી કાપવામાં આવી હતી. ત્યાર પછી એમાંથી જેક્વિન ચૌટિયાર, પત્ની લુઈસા ચૌટિયાર અને પુત્ર ડેરિયલ ચૌટિયારના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય પુણેથી મુંબઈ નાઇગાંવ જઈ રહ્યાં હતાં.
આ દુર્ઘટનામાં કન્ટેનરચાલકને પણ ગંભીર રૂપે ઈજા પહોંચી હતી. ત્યાર પછી તેમની સારવાર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું હતું કે દુર્ઘટના કન્ટેનરની બ્રેક ફેલ થઈ હોવાથી થઈ છે. આ દુર્ઘટના એક ટ્રેકમાં લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી.