પુતિનની એક ધમકીના કારણે યુરોપમાં દહેશતનો માહોલ: રશિયાના સતત હુમલા

પ્રાગ, રશિયા-યુક્રેન વચ્ચે જંગનો આજે આઠમો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના આદેશ પર રશિયન પરમાણુ નિવારણ ફોર્સ અલર્ટ મોડ પર છે.
છેલ્લા અનેક દાયકાઓથી એવું નથી બન્યું કે જ્યારે કોઈ દેશે ખુલ્લેઆમ પરમાણુ યુદ્ધની ધમકી આપી હોય. પરંતુ યુક્રેન પર હુમલો કરનારા વ્યાદિમિર પુતિને આવું કર્યુ છે. પુતિનના ઈરાદા સ્પષ્ટ છે કે યુક્રેનમાં ચાલી રહેલી જંગ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. પુતિનની આ ધમકી વચ્ચે યુરોપમાં ડર અને દહેશતનો માહોલ છે.
રોયટર્સના જણાવ્યાં મુજબ પુતિનની ધમકીના કારણે યુરોપ ખાસ કરીને સેન્ટ્રલ યુરોપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલેન્ડથી લઈને બેલારૂસ અને પૂર્વ સોવિયેત યુનિયનના વિઘટન બાદ બનેલા સ્વતંત્ર દેશો સુધી આ લડતનો ખૌફ છે. ન્યૂક્લિયર એટેકની દહેશત વચ્ચે લોકો આયોડીનની ગોળીઓ ખરીદવા માટે દોટ મૂકી રહ્યા છે.
તેમનું માનવું છે કે પરમાણુ હુમલો થયો તો આ આયોડીન રેડિએશનથી તેમને બચાવશે. આ જ કારણ છે કે આયોડીનની ગોળીઓથી લઈને સિરપ સુધીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે યુરોપના અનેક દેશોમાં તેની અછત થઈ ગઈ છે.
ફાર્મસી યુનિયનના અધ્યક્ષ નિકોલે કોસ્તોવના જણાવ્યાં મુજબ છેલ્લા છ દિવસમાં બલ્ગેરિયાની ફાર્મસીએ એટલું બધુ આયોડીન વેચ્યું છે જેટલું અગાઉ ક્યારેય નથી વેચાયું. અનેક ફાર્મસી તો પહેલેથી જ આઉટ ઓફ સ્ટોક છે. વધતી માંગ વચ્ચે અમે નવી ખેપ માટે ઓર્ડર આપેલો છે. પરંતુ મને ડર છે કે તે સ્ટોક પણ બહુ જલદી ખતમ થઈ જશે. લોકો તેને સ્ટોર કરી રહ્યા છે. જ્યારે ચેક રિપબ્લિકમાં ડો. મેક્સ ફાર્મસીના પ્રતિનિધિ મિરોસ્લાવા સ્ટેનકોવાએ કહ્યું કે આ થોડી અજીબ લાગે છે કે લોકો તેને ખરીદવા માટે પાગલ થઈ રહ્યા છે.
આ જ કારણ છે કે તેની માગણી વધી રહી છે. આયોડીનને ગોળીઓ કે સિરપ સ્વરૂપે લેવામાં આવે છે. રેડિએશનના જાેખમ વચ્ચે તેને માનવ શરીરને થાયરોઈડ અને કેન્સર જેવી બીમારીઓથી બચાવવામાં કારગર ઉપાય ગણવામાં આવે છે.
વર્ષ ૨૦૧૧માં જાપાની અધિકારીોએ ભલમાણ કરી હતી કે ક્ષતિગ્રસ્ત ફૂકુશિમા પરમાણુ ઉર્જા પ્લાન્ટની સાઈટની આજુબાજુ રહેતા લોકો આયોડીન લે. આ બધાના કારણે અનેક દેશોમાં સ્ટોક ખતમ થઈ ગયો છે. સરકારી અધિકારીઓએ ચેતવણી આપી છે કે હાલની સ્થિતિમાં આયોડીન માટે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં તે કારગર નહીં નીવડે.
જ્યારે ચેક સ્ટેટ ઓફિસ ફોર ન્યૂક્લિયર સેફ્ટીના ચીફ ડાના દ્રબોવાના જણાવ્યા મુજબ લોકો આયોડીનની ગોળીઓ વિશે પૂછી રહ્યા છે. પરંતુ ભગવાન ન કરે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય કારણ કે જાે એમ થયું તો આયોડીન પણ કોઈને બચાવી શકશે નહીં.
હકીકતમાં ગત અઠવાડિયે એવી ખબર આવી હતી કે રશિયન સેનાએ ચેરનોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર નિયંત્રણ મેળવી લીધુ છે. ત્યારબાદ ત્યાં રેડિએશન લેવલ વધવાનું અલર્ટ જાહેર થયું હતું. ૧૯૮૬માં થયેલી એક દુર્ઘટનાએ યુક્રેનના એક મોટા વિસ્તારને રેડિએશનથી પરેશાન કર્યો હતો. તે સમયનો હવાલો આપતા લોકો કહી રહ્યા છે કે ત્યાંના લોકોને તે આફતમાંથી બચાવવા માટે આયોડીન આપવામાં આવ્યું હતું. અનેક લોકો જેમના પાસપોર્ટના રિન્યૂઅલની ડેટ નજીક છે તેઓ તેને રિન્યૂ કરાવવા માટે અધિકારીઓના ચક્કર પણ કાપી રહ્યા છે.HS