પુત્રએ ૬૪ વર્ષના પિતાને માર્યા, માતાને હડસેલી દીધી
અમદાવાદ, નારણપુરામાં જ્યોતિષવિદ્યાના જાણકાર ૬૪ વર્ષીય વૃદ્ધને પુત્રએ મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ પુત્રે ધક્કો મારી નીચે પટકી અને જાેઈ લેવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. શનિવારે રાત્રે બનેલા બનાવ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નારણપુરા ચાર રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં અને છેલ્લા ૫૦ વર્ષથી જ્યોતિષ જાેવાનું કામ કરતા ૬૪ વર્ષીય રાજેન્દ્રભાઇના ચાર સંતાનમાંથી મોટો પુત્ર અને બે પુત્રી લગ્ન બાદ પોતપોતાના પરિવાર સાથે રહે છે. જ્યારે નાનો પુત્ર અક્ષય,તેની પત્ની વિદ્યા ,બે પુત્રી રાજેન્દ્રભાઇ અને તેમની પત્ની સાથે રહે છે.
શનિવારે રાત્રે અક્ષયે ઘરે આવી પત્ની વિદ્યા પાસે જમવાનું માગ્યું હતું. જમતી વખતે અક્ષયે તેની માતાને સવાલ કર્યો કે, વિદ્યા મારી સાથે બોલતી કેમ નથી? માતાએ જવાબ આપ્યો કે,તું નાની વાતોમાં તકરાર કરે છે. આથી ગુસ્સે થયેલો વિજય તેની માતાને તું વિદ્યાનો પક્ષ કેમ લે છે,તેમ કહી જેમ ફાવે તેમ બોલતો હતો.
રાજેન્દ્રભાઈએ પુત્રને શાંત થવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો. અક્ષયે અપશબ્દો બોલી રાજેન્દ્રભાઈને મારમાર્યા અને પતિને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. બનાવને પગલે બુમાબુમ થતા પડોશીઓ દોડી આવતા અક્ષય ત્યાંથી નીકળી ગયો અને જતા જતા બધાને જાેઈ લેવાની ધમકી આપતો ગયો હતો. મોટા પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ રાજેન્દ્રભાઈએ પુત્ર અક્ષય વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. (નોંધઃ ઘટનામાં આવતા તમામ પાત્રોના નામ બદલ્યા છે.)SSS