પુત્રવધૂના શરીરમાં ‘આત્મા’ હોવાનું માનીને તેને પતિ સાથે સંબંધ બાંધતા અટકાવી
ગાંધીનગર: વડોદરાની એક મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. મહિલાની ફરિયાદ છે કે તેના સસરા તેણીને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા દેતા ન હતા. સસરા તેના દીકરાને એવું કહીને ડરાવતા હતા કે તારી પત્નીની અંદર કોઈ ભૂતની આત્મા છે, જો તું તેની સાથે શારીરિક સંબંધ બાંધીશ તો એ આત્મા તારા શરીરમાં પ્રવેશ કરશે! મહિલાએ જ્યારે આ અંગેનો વાંધો ઉઠાવ્યો ત્યારે તેના પતિ અને સાસરિયાના લોકો તરફથી તેણીને માર મારવામાં આવ્યો હતો. મહિલા તેના પતિ સાથે ગાંધીનગરના સેક્ટર ૨૨માં રહેતી હતી. આખરે મહિલાએ કંટાળીને રવિવારે પતિ અને સાસરિયા સામે ડાૅમેસ્ટિક વાયલન્સ એક્ટ અંતર્ગત ફરિયાદ આપી છે.
આ કેસની વિગત એવી છે કે વડોદરાના અલકાપુરી ખાતે રહેતી યુવતીએ છઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ગાંધીનગર ખાતે રહેતા યુવક સાથે કોર્ટે મેરેજ કર્યા હતાં. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું હતું પરંતુ બાદમાં તેણીને મુશ્કેલી શરૂ થઈ હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે, “તેના સસરા એવું માનતા હતા કે મારા શરીરની અંદર કોઈ આત્મા છે,
જો હું મારા પતિ સાથે સેક્સ કરું તો આ આત્મા મારા પતિની અંદર પ્રવેશી જશે. મેં જ્યારે આ બાબતે વિરોધ કર્યો ત્યારે મારા પતિ અને સાસરિયાના લોકોએ મને માનસિક પીડા આપવાનું શરૂ કર્યું હતું.”
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, “જ્યારે પણ મારા સાસુ મને એકલી જોતા હતા ત્યારે તે તેના પતિ એટલે કે મારા સસરાને કહેતા કે આની લાજ લૂંટી લો.” મહિલાના કહેવા પ્રમાણે આવી હેરાનગતિ બાદ તેણીએ ૧૦ માર્ચના રોજ તેના પતિનું ઘરે છોડવું પડ્યું હતું. જે બાદમાં પિયર પક્ષના લોકો અનેક વખત સમાધાન માટે ગયા હતા પરંતુ સાસરિયાના લોકોએ તેને પરત લઈ જવાનો ઇન્કાર કર્યો હતો.
એટલું જ નહીં ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેણીના સાસરિયાઓએ એવી પણ ધમકી આપી હતી કે જો આ અંગે પોલીસને જાણ કરશે તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. આ મામલે મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ, શારીરિક ઈજા પહોંચાડવી, ધાકધમકી અને ગુનાને ઉત્તેજન આપવા અંગે ફરિયાદ આપી છે.