પુત્રવધૂની સરકારી નોકરી રદ કરવા સાસુની અરજી ફગાવાઈ
અમદાવાદ: શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વહુને સરકારી નોકરી મળી તો સાસુએ તેની નિમણૂક રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી દીધી. જેમાં જસ્ટિસ એ.એસ. સુપૈયાએ સાસુની ઝાટકણી કાઢી હતી અને કોર્ટનો કિંમતી સમય બગાડવા માટે ૧૦ હજાર રુપિયાનો દંડ પણ કર્યો છે. જસ્ટિસે સુનાવણીમાં જણાવ્યું હતું કે, આવો કેસ ક્યારેય જાેયો કે સાંભળ્યો નથી. આ કેસમાં સાસુએ કોર્ટમાં જણાવ્યું હતું કે,પુત્રવધૂએ છૂટાછેડા લેવા માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. રાજ્ય સરકારના રેવન્યુ વિભાગમાં પુત્રવધૂની કરાયેલી નિમણૂક રદ કરવા સામે તેની સાસુએ હાઈકોર્ટમાં અરજી કરી હતી,
જેની સુનાવણીમાં જસ્ટિસ એ. એસ. સુપૈયાએ ટકોર કરી હતી કે, આ પહેલા ક્યારેય આ પ્રકારનો કેસ જાેયો કે સાંભળ્યો નથી. આ ખરેખર અદભુત કેસ છે. તમારા વેરઝેરને કારણે હાઈકોર્ટનો કિંમતી સમય બગડ્યો છે. આ પ્રકારની અર્થહીન અરજી કરવા બદલ કોર્ટના ૧૦ વ્યકિતનો સ્ટાફ કામે લાગે છે. તમને સમયની કિંમત કંઈ સમજાય છે? નવાઈ એ વાતની લાગે છે કે, વકીલે અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું છે. જે બાદ હાઈકોર્ટેનાં જસ્ટિસે સાસુને આ અરજી કરવા બદલ ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
આ કેસમાં સાસુનો આરોપ એ પણ હતો કે, પુત્રવધૂએ સરકારી નોકરી માટે જે અરજી કરી છે, તેમાં તેણે પોતાને કુંવારી દર્શાવી છે પરંતુ હકીકતમાં તે પરણિત છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલુ છે તો પણ તેણે પોતાની જાતને કુંવારી બતાવી છે. તેણે જીપીએસસીના નિયમોનો ભંગ કર્યો છે. આથી અમે તેની નિમણૂક રદ કરવા અરજી કરી છે. નોંધનીય છે કે, પુત્રવધૂએ વર્ષ-૨૦૧૫માં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી, જે પડતર છે.
થોડા સમય પહેલા સુરતમાં પણ સાસુએ તેની જ પુત્રવધુ દ્વારા અમાનવીય અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાનો વાયરલ વીડિયો બાદ વરાછા પોલીસે આ વૃદ્ધાને ઉગારી અંતે અમરોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે મૂકી ઉમદા કાર્ય કરી બતાવ્યૂ છે. આજના કલયુગમાં સંતાનોની અમાનવીયતાનો દુર્વ્યવહાર વૃદ્ધા સાથે કરવામાં આવેલ મારપીટના વાયરલ વીડિયો પરથી છતી થઈ છે.