પુત્રીના દુષ્કર્મનો પ્રયાસ કરનારની હત્યા કેસમાં માતાને આજીવન કેદ
મેરઠ, કથિત રીતે દીકરી પર બળાત્કાર કરનારા શખ્સની હત્યા કર્યાના ૧૧ વર્ષ બાદ ૭૦ વર્ષીય વિધવાને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. બુલંદશહેરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ રાજેશ્વર શુક્લાએ ૧૪ ઓક્ટોબરના રોજ ચુકાદો આપ્યો હતો.
ચુકાદો આપતાં તેમણે કહ્યું, દુષ્કર્મનો પ્રયાસ રોકવા માટે મહિલાએ મૃતકને વારંવાર કુહાડીના ઘા મારવાની જરૂર નહોતી, ધીમેથી કરેલો બળપ્રયત્ન પણ પૂરતો હોત. કોર્ટે આ ઘટનાને આયોજિત હત્યા અને ઓનર કિલિંગ ગણાવી હતી.
શનિવારે આ ઓર્ડર ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે
તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રવીણ કુમારની હત્યાના આરોપમાં કસ્તૂરી દેવી દોષિત સાબિત થયા છે. આ ઘટના ૩૧ જુલાઈ ૨૦૧૦ના રોજ બની હતી અને એ વખતે પ્રવીણ કુમારની ઉંમર ૨૦ વર્ષ હતી. કોર્ટના ઓર્ડરની કોપીમાં ઘટનાની વિગતો પૂરી પાડવામાં આવી છે. જે મુજબ આ ઘટના બની ત્યારે મહિલાની ઉંમર ૫૯ વર્ષ હતી. તેણે હત્યા કર્યા બાદ બુલંદશહેરના અનુપશહેર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ગુનાની કબૂલાત કરી હતી.
કોર્ટમાં પોલીસે જણાવ્યું કે, કસ્તૂરી પોલીસ પાસે આવી અને તેણે પ્રવીણની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પ્રવીણ મધરાત્રિએ કસ્તૂરીના ઘરે પહોંચ્યો અને તેની પુત્રીને વળગી પડ્યો હતો. એ વખતે કસ્તૂરીની પુત્રીની ઉંમર પણ ૨૦ વર્ષ હતી. દીકરી સાથે શારીરિક અડપલાં થતાં જાેઈને કસ્તૂરીએ ધાબાના ખૂણામાં પડેલી કુહાડી ઉઠાવી અને પ્રવીણનું પ્રાણ પંખેરું ઉડી ના ગયું ત્યાં સુધી ઘા કરવાના ચાલુ રાખ્યા હતા, તેમ કોર્ટના આદેશમાં જણાવાયું છે.
આ કેસની ટ્રાયલ પૂરી થવામાં ૧૧ વર્ષ લાગ્યા છે. આ દરમિયાન કસ્તૂરીની દીકરીના લગ્ન થઈ ગયા અને તેના પણ બાળકો છે. કોર્ટને મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપવામાં આવ્યયો હતો જેમાં ઉલ્લેખ છે કે, તેને પાંચ જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા. આ પ્રહાર તેના ગરદનની ઉપર હતા, એક તેની આંખની નીચે અને બીજાે એક ગાલ પર કરવામાં આવ્યો હતો.
પ્રવીણની ગરદન નજીક પાંચવાર કુહાડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જાે કસ્તૂરી બળાત્કારનો પ્રયાસ રોકવા માગતી હતી તો તેણે મૃતકને આટલી બધી વખત કુહાડી નહોતી મારવા જેવી. હળવો બળપ્રયોગ પણ બળાત્કારનો પ્રયાસ રોકી શક્યો હોત.
પ્રવીણના મોત પછી કસ્તૂરી અને તેનો પરિવાર મૃતદેહ ઘરની બહાર લઈને આવ્યો હતો અને મદદ માટે બૂમાબૂમ કરી હતી. જેથી એવું લાગે છે કે આ ષડયંત્ર હતું. આ કેસમાં કસ્તૂરીનો દીકરો અને દીકરી જ સાક્ષી હતા ત્યારે તેમણે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે, પ્રવીણે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો અને તેમની માતાએ ગુસ્સામાં આવીને તેની હત્યા કરી હતી.