Western Times News

Gujarati News

‘પુત્રી જન્મી તો જીવતી સળગાવી દઈશું ’

નરોડાની યુવતિએ પ્રેમલગ્ન કર્યાં બાદ સગર્ભા બનતા સાસરિયાઓએ માનસિક ત્રાસ ગુજારી ધમકી આપી : પુત્ર જન્મે તો રૂ.પ લાખનું દહેજ લાવવાની માંગણી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ: મહિલાઓ ઉપર અત્યાચારની ઘટનાઓમાં પોલીસતંત્ર ત્વરિત કામગીરી કરી રહયુ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતિએ પ્રેમલગ્ન કર્યા બાદ સાસરિયાઓ દ્વારા તેના ઉપર અત્યાચાર ગુજારવા સાથે સગર્ભા અવસ્થામાં ઘરમાંથી કાઢી મુકી પુત્રીનો જન્મ થાય તો જીવતી સળગાવી દેવાની તથા પુત્રનો જન્મ થાય તો ઘરેથી પ લાખ રૂપિયાનું દહેજ લાવવાની ધમકી આપવામાં આવતા માનસિક રીતે ભાંગી પડેલી પરિણિતાએ આખરે નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ
અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં નરોડા ગામમાં હરિઓમ આશ્રમની પાછળ રહેલી પ્રિયંકા વોરા નામની ર૩ વર્ષની યુવતિને કૃણાલ બાબુભાઈ વોરા નામના યુવક સાથે પરિચય કેળવાતા બંનેએ ર વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યાં હતાં.

તા.૬.ર.૧૭ના રોજ પ્રેમલગ્ન કર્યાં બાદ પ્રિયંકા ગાંધીનગરની હદમાં આવતા મોટા ચિલોડામાં આસ્થા ફલેટમાં રહેતા કૃણાલ વોરા સાથે રહેવા જતી રહી હતી પ્રેમલગ્ન કર્યાં બાદ પ્રથમ છ મહિના સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પતિ કૃણાલ દ્વારા તેના ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. વાત વાતમાં શક કરી તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

પતિના બદલાયેલા સ્વભાવથી પ્રિયંકા માનસિક રીતે ભાંગી પડી હતી અને તેણે તેની સાસુ નલિનીબહેન વોરા તથા સસરા બાબુભાઈ વોરાને ફરિયાદ કરતા સાસુ- સસરાએ પણ તેમના પુત્ર કૃણાલનો પક્ષ લઈ પ્રિયંકાને ધમકામવી હતી આ ઉપરાંત નરોડા ખાતે રહેતી હેતલ સોલંકી નામની નણંદને પણ આ અંગેની જાણ પ્રિયંકાએ કરતા નણંદ પણ તેના ઉપર ઉશ્કેરાઈ ગઈ હતી. સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ થતા પ્રિયંકા વ્યથિત બની ગઈ હતી પરંતુ બધુ સારૂ થઈ જશે તેવુ માની તે અત્યાચાર સહન કરવા લાગી હતી

આ દરમિયાનમાં તે છ મહિનાથી સગર્ભા બનતા સાસરિયાઓએ તેના ઉપર વધુ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું સગર્ભા અવસ્થામાં તેને ખાવાનું આપવામાં આવતું ન હતું આ ઉપરાંત તેની સાથે સતત ઝઘડો કરી ઘરેથી પિયરમાંથી દહેજ લાવવાની ધમકી આપવામાં આવતી હતી. છેલ્લે તો પતિ, સાસુ-સસરા તથા નણંદે તેને ઘરેથી બહાર નીકળી જવાનું કહયુ હતું અને ઘરમાંથી કાઢી મુકતા તે પોતાના પિયર રહેવા આવી ગઈ હતી.

ઘરમાંથી કાઢી મુકતા પહેલા સાસરિયાઓએ ધમકી આપી હતી કે જા પુત્ર જન્મે તો ઘરેથી રૂ.પ લાખ દહેજ લેતી આવજે અને પુત્રી જન્મી તો તને જીવતી સળગાવી દઈશું. આ ધમકીથી પ્રિયંકા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેણે પોતાના પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. પ્રિયંકાને સાસરિયાઓએ આપેલી ધમકીથી તાત્કાલિક પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ કૃણાલ, સસરા બાબુભાઈ, સાસુ નલિનીબહેન તથા નણંદ હેતલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.