પુત્રી-જમાઈએ વૃધ્ધ માતાના રૂ.૯૧ લાખ પડાવી લીધા
પુત્રનું અકસ્માતે મોત નીપજતાં એકલી રહેતી માતાને સાચવવાના બહાને પુત્રી અને જમાઈએ વૃધ્ધાનું મકાન વેચાવી તથા પુત્રના એકસીડન્ટ વીમાની રકમ પણ પડાવી માતાને તરછોડી દીધી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે ખાસ કરીને વહેપારીઓ સાથે છેતરપીંડીની સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ રહી છે આ ઉપરાંત પરપ્રાંતિય ગઠીયાઓ વિશ્વાસ કેળવી વહેપારીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી આચરી રહયા છે. આ પરિÂસ્થતિમાં શહેરના વાસણા વિસ્તારમાં છેતરપીંડીની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં એક વૃધ્ધ માતાની સાથે તેની જ સગી પુત્રી અને જમાઈએ એક સંપ થઈ રૂ.૯૧ લાખની રકમ પડાવી લેતા સનસનાટી મચી ગઈ છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ વૃધ્ધાને થોડો સમય પોતાના ઘરે રાખી વિશ્વાસ કેળવી પુત્રી અને જમાઈએ વાસણા વિસ્તારમાં આવેલુ તેનું મકાન વેચાણ કરાવી તથા પુત્રના એકસીડન્ટના વીમા ના આવેલા રૂપિયા તથા વૃધ્ધાની એફડીના રૂપિયા પણ પડાવી લીધા છે. પુત્રી અને જમાઈએ રૂપિયા પડાવી લેતા હવે આ વૃધ્ધા ઘર બહાર વિહોણી બની ગઈ છે.
આખરે વૃધ્ધાએ વાસણા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક વૃધ્ધાની પુત્રી અને જમાઈ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શંકુતલાબેન ઘનશ્યામભાઈ રાય ઉ.વ.૮પ વડોદરા ખાતે સુએઝ પંપીગ સ્ટેશન રોડ પર રૂષીપાર્ક અંબિકા વિદ્યાલય સામે રહે છે આ વૃધ્ધા એકલી હોવાથી તેની પુત્રી તથા જમાઈએ ષડયંત્ર રચ્યુ હતું અને સગી પુત્રી અને જમાઈએ પોતાની જ માતાના રૂપિયા પડાવી લેવા માટે તેને પોતાના ઘરે રહેવા બોલાવી હતી. વડોદરા ખાતે રહેતી પુત્રી અને જમાઈએ શંકુલતાબેનને પોતાના ઘરમાં રાખી તેનો વિશ્વાસ કેળવી લીધો હતો.
પુત્રી અને જમાઈના ષડયંત્રમાં વૃધ્ધ માતા ફસાઈ ગઈ હતી શંકુતલાબેનને વડોદરા ખાતે ખૂબ જ સારી રીતે રાખી પુત્રી અને જમાઈએ તેને જીંદગીભર સુધી રાખવા માટેનો દેખાવ કર્યો હતો જેના પરિણામે શંકુતલાબેન ભોળવાઈ ગયા હતાં શંકુતલાબેનના પુત્રનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેના પરિણામે પાછલી જિંદગીમાં તેની સગી પુત્રીએ આધાર બનવાનો દેખાવ કર્યો હતો.
પ્રારંભમાં શંકુતલાબેન ખૂબ જ નિશ્ચિત બની ગયા હતા અને પુત્રી અને જમાઈની વાતો માનવા લાગ્યા હતાં તેમને વડોદરામાં જ રહેવાનું હોવાથી શંકુતલાબેનનું અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં ગોદાવરીનગર સોસાયટી ખાતે આવેલું મકાન વેચી નાંખવા માટે પુત્રી અને જમાઈએ જણાવ્યું હતું. પુત્રી અને જમાઈની વાતોમાં આવી જઈ શંકુતલાબેને વાસણા વિસ્તારમાં આવેલુ પોતાનું મકાન રૂ.૮પ લાખમાં વેચી નાખ્યું હતું અને આ મકાનમાંથી આવેલી રકમ પૈકી રૂ.૬૦ લાખ પુત્રી અને જમાઈએ પોતાની પાસે રાખ્યા હતાં ત્યારબાદ પુત્રનું અકસ્માતે મોત નીપજતા એકસીડન્ટ વીમાના પણ રૂ.રર લાખ શંકુતલાબેનના ખાતામાં જમા હતાં આ વાતની જાણ પુત્રી અને જમાઈને હતી જેથી પુત્રી અને જમાઈએ શંકુતલાબેનના ખાતામાંથી રૂ.રર હજાર પણ છેતરપીંડી આચરી ઉપાડી લીધા હતાં.
વૃધ્ધ મહિલા સાથે સગી પુત્રી અને જમાઈએ ષડયંત્ર રચી તેના રૂપિયા પડાવવા લાગ્યા હતાં પ્રારંભમાં મકાનનું વેચાણ કરાવી રૂ.૬૦ લાખ પડાવી લીધા અને ત્યારબાદ પુત્રના એકસીડન્ટના વીમાના પણ રૂ.રર લાખ પડાવી લીધા બાદ શંકુતલાબેને એફડીમાં મુકેલા રૂ.૯.પ૦ લાખ પણ છેતરપીંડી આચરી ઉપાડી લીધા હતાં.
શંકુતલાબેન વૃધ્ધ હોવાથી હવે પુત્રી જ તેમનો આશરો હતી તેથી તેમના કહેવા પ્રમાણે તેઓ કરતા હતા
પરંતુ મકાનના રૂપિયા તથા એકસીડન્ટ વીમના રૂપિયા અને એફડીમાંથી રૂપિયા પુત્રી અને જમાઈએ પડાવી લીધા બાદ વૃધ્ધાએ આ અંગેની પુછપરછ કરી હતી પરંતુ પુત્રી અને જમાઈએ રૂપિયા પરત આપવાના બદલે ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતા અને તેના ઉપર ત્રાસ ગુજારવા લાગતા આખરે શંકુતલાબેન પોતે છેતરાયા હોવાનું માલુમ પડયું હતું. સગી પુત્રી અને જમાઈએ જ પોતાની સાથે છેતરપીંડી આચરતા વૃધ્ધા માનસિક રીતે હતાશ થઈ ગઈ હતી.
વડોદરાથી તે પુત્રીનું ઘર છોડી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને બેંકના તમામ દસ્તાવેજા તથા મકાન વેચાણના દસ્તાવેજા લઈ તેઓ સીધા જ વાસણા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. ૮પ વર્ષના વૃધ્ધ શંકુતલાબેને વાસણા પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં. સગી પુત્રી અને જમાઈએ વૃધ્ધ માતા સાથે રૂ.૯૧.પ૦ લાખની છેતરપીંડી આચરતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક આ વૃધ્ધાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની તપાસ વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર યુ.આર. ભટ્ટ ચલાવી રહયા છે.