પુત્ર અર્જુને આ રીતે ક્રિકેટર સચિન તેંડુલકરને વિશ કર્યું
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા વિડીયો શેર કરી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને બર્થ-ડેની શુભકામના પાઠવવામાં આવી
મુંબઈ, ભારતના મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન ગણાતાં સચિન તેંડુલકર ૪૯ વર્ષના થઈ ગયા છે. ૨૪ એપ્રિલ ૧૯૭૩ના રોજ સચિનનો જન્મ મુંબઈમાં થયો હતો. હાલ તે મુંબઈ ઈન્ડિયન્સના બાયો બબલમાં પોતાનો બર્થ-ડે ઉજવી રહ્યા છે. કેમ કે તેઓ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમના મેન્ટર છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ફ્રેન્ચાઈઝીએ તેમના બર્થ-ડે પર ખાસ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના તમામ યુવા ખેલાડીઓ સચિનને જન્મદિનની શુભકામના પાઠવી રહ્યા છે.
આ વિડીયોમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકર પણ સામેલ છે. તેણે ખાસ અંદાજમાં પિતાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી, જેણે અનેક લોકોનાં દિલ જીતી લીધા હતા. અર્જુને કહ્યું કે, હું તમને જન્મદિવસની અનેક શુભકામનાઓ આપવા માગું છું. પોતાના દિવસનો આનંદ લો અને જીવનભર મારા માટે જે પણ કાંઈ કર્યું છે, તેના માટે આભાર.
આ વિડીયોમાં ઋતિક શૌકીન, આર્યન જુયાલ, એન. તિલક વર્મા, દેવાલ્ડ બ્રેવિસ અને રાહુલ બુદ્ધિ પણ હતા, જેઓએ મહાન બેટ્સમેન સાથેની પોતાની મુલાકાતની ખાસ ક્ષણને અને તેમના શાનદાર કરિયરની સૌથી યાદગાર પળોને વાગોળી હતી. વિડીયોમાં સૌથી છેલ્લે અર્જુન તેંડુલકર આવ્યો હતો. જેણે પોતાના પિતાને જન્મદિવસ માટે વિશ કર્યું હતું.
આ વિડીયોને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, તેઓએ સમગ્ર ભારતને ક્રિકેટ જાેવા માટે પ્રેરિત કર્યાં હતા. યુવા ખેલાડીઓ પોતાના વિશેષ દિવસ પર પહેલી વખત મુલાકાતનો પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. ફ્રેન્ચાઈઝીની વાત કરીએ તો મુંબઈ રવિવારે આઈપીએલમાં પોતાની ૮મી મેચ રમશે. વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટસ્ સાથે તેમની ટક્કર થશે.
મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધી એક પણ જીત હાંસલ કરી શકી નથી. પોતાની તમામ સાત મેચ હાર બાદ એક સિઝનમાં સૌથી ખરાબ શરૂઆત કરનાર તે એકમાત્ર ટીમ બની ગઈ છે. જાે કે, આજે મુંબઈની જીત સચિન માટે એક મોટી ભેટ હોઈ શકે છે, જેઓએ ૨૦૧૧માં આઈસીસી વર્લ્ડ કપ જીત્યો હતો અને વાનખેડે સ્ટેડિયમમાં પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી.