Western Times News

Gujarati News

પુત્ર ગાડી લઈ જતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

પ્રતિકાત્મક

નડિયાદ, નડિયાદથી એક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. તમામ અગવડો અને તકલીફો હસતા મોઢે વેઠીને બાળકને જન્મ આપનારી અને તેનો ઉછેર કરનારી એક માતા એવી મજબૂર થઈ ગઈ કે તેણે પોતાના જ દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડી.

આ ચોંકાવનારો કિસ્સો નડિયાદ શહેરના વૈશાલી રોડ પર રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જાગૃતિબેનના ઘરે બની છે. જાગૃતિબેને પોતાના દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, જાગૃતિબેન ગોર નડિયાદ તાલુકાના કુબેરપુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૧૯૯૨માં તેમના લગ્ન થયા હતા. લગ્ન પછી તેમણે રવિ કમલેશકુમાર પુરોહિત નામના દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાને કારણે જાગૃતિબેને ૧૯૯૪માં છૂટાછેડા લઈ લીધા હતા. માતા-પિતા અલગ થયા પછી દીકરો બાળપણથી જ પિતા સાથે રહેતો હતો.

ઉલ્લેખનીય છે કે રવિ ક્યારેક ક્યારેક પોતાની માતાને મળવા આવતો હતો. દીકરાની અવરજવર હોવાને કારણે જાગૃતિબેને એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાની વાત સાંભળીને રવિ ૧૦ લાખ રુપિયામાં સેકન્ડ હેન્ડ ઈનોવા ગાડી શોધી લાવ્યો હતો.

ગાડી સારી સ્થિતિમાં હોવાને કારણે શિક્ષિકા ખરીદવા માટે તૈયાર થઈ ગયા હતા. રવિએ માતાના નામે એક ખાનગી બેન્કમાં છ લાખ રુપિયાની લોન લીધી હતી. બાકીના ચાર લાખ રુપિયાની લોન જાગૃતિબેને શિક્ષક સમાજની મંડળીમાંથી લીધી હતી.

રવિ આ ગાડી મોટાભાગે પોતાની પાસે જ રાખતો હતો. ત્યારપછી વર્ષ ૨૦૨૧માં જૂન મહિનામાં રવિ માતાના ઘરે આવ્યો હતો અને ગાડી લઈને જતો રહ્યો હતો. જતી વખતે તેણે કહ્યુ હતું કે, હું આ ગાડી લઈને જઈ રહ્યો છું, તમારાથી થાય તે કરી લેજાે. જાગૃતિબેને ગાડી માટે અવારનવાર દીકરાને ફોન કર્યો હતો. એક વાર તેઓ પોતે પણ ગાડી માટે ગયા હતા. પરંતુ રવિએ ગાડી આપવાથી ઈનકાર કરી દીધો હતો.

આખરે શિક્ષિકા જાગૃતિબેને કંટાળીને દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવી પડી હતી. તેમણે નડિયાદ પશ્ચિમના પોલીસ સ્ટેશનમાં દીકરા રવિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.