Western Times News

Gujarati News

પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પિતાએ ત્રણ પુત્રીની હત્યા બાદ કરી આત્મહત્યા

જૂનાગઢ, આજે 21મી સદીમાં માનવજાત ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો છે ત્યારે દરેક વ્યક્તિ, સમાજ અને માનવજાતને મહાકલંકિત કરતી એક ઘટના સામે આવી છે. સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમા રૂઢ થયેલા વિચારોના કારણે આજે પણ દીકરા-દીકરીના ભેદને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. ત્યારે આવી જ એક વધુ ઘટના આજે સામે આવી છે, જેમાં દીકરાની લાહ્યમાં ચાર દીકરીને જન્મ આપનાર પિતાએ દીકરીઓની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢના ભેંસાણમાં વિસ્તારમાં એક રૂવાંટા ઉભી કરી દે તેવી ઘટના બની છે. જેમાં એક પિતાએ ત્રણ દીકરીને કુવામાં નાખી હત્યા કરી દીધી, ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.  સમાજને લાંછન લગાડવાની આ ઘટના જુનાગઢના ભેંસાણના ખંભાળીયા ગામની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખંભાળીયા ગામમાં રહેતા રસિકભાઈ સોલંકી નામના વ્યક્તિને ત્યાં પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ચોથી દીકરીએ જન્મ લેતા આ સમગ્ર ઘટના બની છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, ખંભાળીયામાં રહેતા રસિકભાઈ સોલંકી નામના વ્યક્તિની પત્ની ડિલેવરી માટે પિયરે ગઈ હતી, તેમને માહિતી મળી કે, તેમના ઘરે ચોથી દીકરીનો જન્મ થયો છે, જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા રાખી બેઠેલા પિતાએ ત્રણ દીકરીઓને કુવામાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી, અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. હાલમાં ત્રણે બાળકીઓની લાસને કુવામાંથી બહાર કાઢી તથા પિતાની લાસને સરકારની હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આજની 21મી સદીમાં પણ આ પ્રકારે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં એક પછી એક બાળકને જન્મ આપવાની ઘટનાઓ સામે આવી, રહી છે આ પ્રકારની ઘટના ખરેખર સમાજમાં લાંછન રૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.