પુરાવાના અભાવે બાઈક ચાલકને વળતર ન મળ્યું
મુંબઈ, ઍક્સિડન્ટમાં જાે વાંક સામેવાળાનો હોય અને તમે તેના પર કાયદાકીય કાર્યવાહી ઉપરાંત વળતર મેળવવા માટે દાવો કરવાનું પણ વિચારી રહ્યા હો તો તેના માટેના તમામ પુરાવા યોગ્ય સમયે એકત્ર કરવા જરુરી છે. કારણકે, ઘણીવાર કોર્ટમાં પુરાવાના અભાવે સાચા માણસને પણ ન્યાય મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા જ એક કિસ્સામાં એક્સિડન્ટ કેસમાં ગાડીવાળા પર દાવો કરનારા બાઈકવાળાને કોર્ટે વળતર ચૂકવવાનો ઓર્ડર કરવાનો ઈનકાર કરી દીધો હતો.
મુંબઈના બાંદ્રામાં રહેતા ૫૩ વર્ષના એક શખ્સ ઈશ્વર પૂજારીનો ૨૦૧૫માં એક કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે તેઓ બાઈક પર સવાર હતા. તેમણે મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ સમક્ષ દાવો કર્યો હતો કે અકસ્માતને લીધે તેમને કાયમી ખોડ આવી ગઈ છે, અને તેના કારણે તેમને ૪.૪૦ લાખ રુપિયાનું વળતર આપવામાં આવે.
પોતાની અપીલમાં અકસ્માત અંગે પૂજારીએ જણાવ્યું હતું કે ક્રોસિંગ જંક્શન પર પૂરઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી અને અકસ્માત બાદ કારચાલક ભાગી ગયો હતો. ગાડીની ટક્કર વાગવાના કારણે તેઓ બાઈક પરથી પડી ગયા હતા અને તેમને ઈજાઓ થઈ હતી, તેમજ બાદમાં સર્જરી પણ કરાવવી પડી હતી. આ મામલે પોલીસ કેસ પણ થયો હતો.
ફરિયાદ પક્ષ દ્વારા આ મામલે ડોક્ટર દ્વારા અપાયેલું કાયમી ખોડ-ખાંપણનું સર્ટિ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં જણાવાયું હતું કે અકસ્માતને કારણે ભોગ બનનારાને ૪૨ ટકા પરમેનેન્ટ પાર્શિયલ ડિસેબિલિટી આવી ગઈ છે. ડૉક્ટરે પણ કોર્ટને જણાવ્યું હતું કે અકસ્માત બાદ ઈશ્વર પૂજારીના ડાબા હાથમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ વજન ઉંચકવા અસમર્થ બની ગયા હતા, અને તેમને દુઃખાવો પણ સહન કરવો પડ્યો હતો.
જાેકે, ટ્રિબ્યૂનલ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે સામે વાંધો લેતા તેના મેમ્બર બીબી વ્યાસે જણાવ્યું હતું કે ડૉક્ટરે જે સર્ટિ. આપ્યું છે તે અકસ્માત થયાના ૧૧ મહિના બાદનું છે, અને તેમણે દર્દીને થયેલી ઈજા કેટલી ગંભીર છે તે જાેવા માટે એક્સ-રે પણ નથી લીધો, અને ના તો કોર્ટ સમક્ષ તેનો કોઈ ઉલ્લેખ કર્યો છે. ડૉક્ટરે કોર્ટને જણાવ્યું છે કે તેમણે મેડિકલ પેપર્સના આધારે સર્ટિ. ઈશ્યૂ કર્યું છે, પરંતુ કયા પેપર્સનો આધાર લેવાયો છે તેની પણ માહિતી નથી આપી.
આ સ્થિતિમાં ડૉક્ટર તરફથી આપવામાં આવેલા પુરાવા અને સર્ટિફિકેટના આધારે અરજકર્તાએ માંડેલા ૪.૪૦ લાખના દાવાનું સમર્થન કરવું શક્ય નથી, તેમ જણાવતા ટ્રિબ્યૂનલે આ દાવો ફગાવી દીધો હતો. જાેકે, કોર્ટે અકસ્માત કરનારા કારચાલકને વ્યાજ સાથે અકસ્માતનો ભોગ બનનારાને ૨૮ હજાર રુપિયા ચૂકવવા માટે આદેશ કર્યો હતો.SSS